Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વિશ્વની આર્ટ ગેલેરીઓમાં ગુજરાતની આન બાન અને શાન વધારતા ચિત્રોના સર્જક જોઇન્‍ટ પોલીસ કમિશનર અજય ચૌધરીના અદભુત પેન્‍ટિંગ દ્વારા શુભારંભ

જાણીતા સિંગરો દિપશિખા ચૌધરી, રાજલ બારોટના કર્ણ પ્રિય ભજનો, શાંતિ યાત્રા જેવા કાર્યક્રમોનો લાભ લેવા કલાગુરુ ગિરિરાજ કેડિયા દ્વારા અપીલ

રાજકોટ તા.૧: રાષ્‍ટ્રપિતા પુજય મહાત્‍મા ગાંધીજીના આદર્શોથી નવી પેઢી પરિચિત થાય અને અહિંસા, સત્‍ય અને પ્રેમનું મહત્‍વ સમજી નફરતના બીજને બદલે લાગણીના બીજ રોપે તેવા હેતુથી જાણીતા આર્ટિસ્‍ટ ગિરિરાજ કેફિયાજી દ્વારા આયોજિત ધી.પીસ ઓફ આર્ટ પ્રોજેકટનો પ્રારંભ થયો છે.

ખાદીના પેપર પર એબસ્‍ટ્રેક આર્ટની બેનમૂન કલાનું પ્રદર્શન પાંચ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે જ વિશ્વની આર્ટ ગેલેરીઓમાં જેના ચિત્રો ગુજરાતની આન બાન અને શાન વધારી રહયા છે તેવા અમદાવાદના લોકપ્રિય જોઇન્‍ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોધરી સહિતના મહાનુભાવો હસ્‍તે કરવામાં આવેલ

સત્‍યાગ્રહ આશ્રમ, કોચરબા અમદાવાદ ખાતે અત્‍યાર સુધીમાં યુટયુબ પર જેના ગીતો ધૂમ મચાવે છે તેવા જાણીતા વિડિયો સિંગર દિપ શિખા ચૌધરી, રાજલ બારોટ અને હિમાંશુ ચૌધરીના કંઠે ભજન સંધ્‍યા યોજવામાં આવેલ, લોકો પણ કર્ણપ્રિય અવાજમાં ભજન સાંભળી મંત્રમુગ્‍ધ થયેલ

આ ઉપરાંત શાંતિ યાત્રા, મહાત્‍મા ગાંધીજીના જીવન કવન આધારિત પેન્‍ટિંગ પ્રદર્શન, ફોટોગ્રાફ પ્રદર્શન, મહાત્‍માગાંધીના વિચારો અંગેના વાર્તાલાપ, ગાંધીજીની જીવનયાત્રા વિગેરે કાર્યક્રમો ૨જી ફેબ્રુઆરી સુધી યોજવામાં આવ્‍યા હોવાનું ગિરિરાજ જી.કેડિયા જણાવે છે.

 

(11:48 am IST)