Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અમદાવાદથી દિલ્‍હી જતી ફલાઇટમાં બોમ્‍બ હોવાના એક પ્રવાસીના ફોનથી અધિકારીઓ-પોલીસ અને ફાયરબ્રિગેડ ધંધે લાગ્‍યુ

પોલીસ દ્વારા તપાસ કરાતા બોમ્‍બ નહીં હોવાનું જણાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

અમદાવાદઃ અમદાવાદ અરેપોર્ટ પર વિનીત નોડીયલ નામના પ્રવાસીનો ફલાઇટમાં બોમ્‍બ હોવાનો ફોન આવતા એરપોર્ટ સહિતના કર્મચારીઓ ધંધે લાગ્‍યા હતા. પોલીસ દ્વારા તપાસ કરાતા બોમ્‍બ ન હોવાનું જણાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

એરપોર્ટ પર દિલ્લી જતી ફલાઇટમાં બોમ્બ હોવાની વાત સામે આવતા સીઆઈએસએફ દ્વારા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે તપાસ કરતા એક પેસેન્જર દ્વારા બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા ફલાઇટમાં કોઈ બોમ્બ નહિ હોવાનું સામે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

સમગ્ર મામલો એવો હતો કે અમદાવાદથી દિલ્લીની ડોમેસ્ટીક ટર્મિનલ ખાતેથી ટેકઓફ થતી ફ્લાઇટના પેસેન્જરોની બોડીંગ પ્રક્રિયા શરૂ થઈ હતી. ફલાઇટમાં 53 જેટલા મુસાફરો પ્રવાસ કરવાના હતા. જેમાં બોર્ડિંગ માટે નહીં આવેલા પેસેન્જરને બોર્ડિંગ અધિકારી ફોન દ્વારા જાણ કરી રહ્યા હતા ત્યારે વિનીત નોડીયલ નામના પેસેન્જર બોર્ડિંગ માટે પહોંચ્યા નો હતા એટલે તેને ફોન કરી બોર્ડિંગ ગેટ પર બોલાવવામાં આવ્યા હતા. જેમાં સામેથી ફોન રીસીવ કરનારે હિન્દી ભાષામાં જણાવેલ કે "મેં ક્યું આઉ મુજે મરના નહી હૈ, આપકી ફલાઇટમે બોમ્બ હૈ" તેમ જણાવી ફોન કટ કરી નાખ્યો હતો.

સમગ્ર મામલે બોર્ડિંગ ઓફિસરે સીઆઈએસએફનાં અધિકારીને બોમ્બની જાણકારી આપી હતી અને સીઆઈએસએફનાં અધિકારીએ પોલીસને જાણ કરતા પોલીસ, ફાયર અને બોમ્બ સકોડ એરપોર્ટ પહોંચી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે વિનીત નોડીયલ નામના પેસેન્જરની પૂછપરછ શરૂ કરતાં સામે આવ્યું હતું કે વિનીતની ફ્લાઇટ ટીકીટ તેની કંપનીના એડમીન ડીપાર્ટમેન્ટ તરફથી બુક કરાવવામાં આવી હતી અને આ બુકિંગમાં જણાવેલ મોબાઇલ નંબર કે ઇમેલ એડ્રેસ વિનીતનો નથી પણ તેઓની કંપનીનાં એડમીન ઓફિસમાં નોકરી કરતા ભૂપેન્દ્રસિંગનો છે.

કંપનીના એડમીન દ્વારા ટિકિટ બુક કરાવી હોવાથી તેમણે પોતાનો મોબાઇલ નંબર તથા ઇમેલ એડ્રેસ લખ્યો હતો. જોકે હવે પોલીસે ફોન પર બોમ્બ હોવાનું જણાવનાર દિલ્લીના ભૂપેન્દ્રસિંગ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથેજ વિનીતનો કોઈ રોલ છે કે કેમ સહિતના મુદ્દાઓ પર પોલીસ પૂછપરછ કરી રહીં છે. સમગ્ર મામલે જો વિનીતની પણ કોઈ ભૂમિકા સામે આવશે તો ભૂપેન્દ્રસિંગ સાથે વિનીત પર પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

(6:04 pm IST)