Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત જિલ્લાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે:ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે નિર્માણાધિન વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ: નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે વડિયા ખાતે રોડનું ભૂમિપૂજન અને ખાતમુહુર્ત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (૨૦૨૧-૨૨) હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે નિર્માણાધિન વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ માર્ગના નિર્માણ થકી હવે વડીયા, કરાઠા, થરી, લાછરસ વગેરે ગામોને આવાગમન માટે વધુ લાભ મળશે.

  વડિયા રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ડો. દેશમુખે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે સરકાર દ્વારા થઈ રહેલા અનેકવિધ વિકાસના કામોનો લ્હાવો લોકોને મળ્યો છે. આજરોજ પ્રજાના હિતમાં રૂ. ૫૦ લાખના ખર્ચે મંજૂર થયેલા માર્ગ ગ્રામજનો માટે ખુબ ઉપયોગી નિવડશે. સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત જિલ્લાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે, તેમ જણાવતા ડો. દેશમુખે સરકાર દ્વારા થતા વિકાસલક્ષી કાર્યોમાં લોકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. વધુમાં કોઈ પણ કારણોસર ઉભી થતી સમસ્યા કે પ્રશ્નોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવા માટે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો.
આ ખાતમુહૂર્ત વેળાએ ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ પોતાના સંબોધન દરમિયાન, સરકાર દ્વારા નિર્મિત સંપૂર્ણ મિલકત એ આપણી જ વિરાસત છે, તેમ લોકોમાં સમજ કેળવીને પોતાની જવાબદારીઓ અદા કરવા અંગે અપીલ કરી હતી. વધુમાં તેઓએ વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદના વડિયા ખાતે થઈ રહેલા નિર્માણાધિન રોડથી ૩૨ સોસાયટીઓના લોકોને મદદરૂપ થશે. ખરેખર સરકારની સાથે પ્રજાની પણ સહભાગીતા ગામના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. આજરોજ ધારાસભ્યના હસ્તે થયેલા રોડના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એ.એસ.પટેલ સહિત નાંદોદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ, ગામના સરપંચ-તલાટી, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

(8:02 pm IST)