Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજ્યમાં જિલ્લા-તાલુકાઓમાં ઠેર ઠેર ચૂંટણીનો બહિષ્કાર કરાયો

ચૂંટણી બહિષ્કારથી ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો : રાજ્યના વલસાડ, છોટાઉદેપુર, આણંદ, અમરેલી, ભુજ અને મહીસાગર જિલ્લાના અનેક ગામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરાયો

અમદાવાદ, તા. ૨૮ : આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨ માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાનને અડધો દિવસ વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. 

છોટાઉદેપુર જિલ્લાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કારની ઘટના બની છે. ૫૧૩ મતદારો પૈકી એકપણ મતદારે અહીં મતદાન ન કર્યું. ગામ કોઈ પંચાયતમાં સમાવિષ્ટ ના હોવાથી વિકાસથી વંચિત છે. આઠ વર્ષ પહેલાં સંખેડા તાલુકાના વિભાજન બાદ પંચાયત વિહોણું ગામ બન્યું છે. ગ્રામજનો મુજબ ગામ કોઈ તાલુકામાં પણ સમાવિષ્ટ નથી. તેથી ગામના મતદારોએ ચૂંટણીના બહિષ્કાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડભાસી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ૩૯૨૪ મતદારોએ આજે મતદાન કર્યુ નથી. ૧ વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. થોડા દિવસ અગાઉ ડભાસી ગામના લોકોએ નાળા મુદ્દો રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પોલીસે આ આંદોલનમાં ૮૬ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસે કરેલી કાર્યવાહી અને નાળાની માંગ સાથે મુદ્દે ડભાસી ગામ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. બોચાસણ-૭ જિલ્લા પંચાયત અને વેહરા- ૨૦ તાલુકા પંચાયત બેઠક હેઠળ ડભાસી ગામ આવે છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચાકલમ ગામના આ મતદાન મથક ઉપર ૫૧૩ મતદાર પૈકી અત્યારસુધી ગામના એકપણ વ્યક્તિએ મતદાન નથી કર્યું, ગામલોકોએ મતદાન બહિષ્કારની અગાઉથી જ ચીમકી આપી હતી,ગામલોકોનું કહેવું છે કે સંખેડા તાલુકાનું વિભાજન થતા તેમના ગામને બોડેલી તાલુકામાં સમાવવામાં તો આવ્યો પણ ગામમાં ૮ વર્ષ બાદ પણ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં નથી ,જેને લઇ ગામનો વિકાસ રૃંધાયો છે, દરેક સરકરી કામમાં ગામલોકોને અગવડતા પડી રહી છે. ગામ લોકો લોકસભા, વિધાનસભા અને તાલુકા -જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરે છે, પણ ગામમા આજસુધી સરપંચની ચૂંટણી નથી યોજાઈ. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમના ગામમાં સ્થાનિક સ્વરાજ્ય નહીં અપાય ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે અને એટલે જ આજે બપોરે સુધી ગામના આ મતદાન મથકમાં ગામના એક વ્યક્તિએ મતદાન નથી કર્યું. અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં મતદાનનો બહિષ્કાર કરાયો છે. ખીજડિયા ગામમાં અનેક પ્રશ્નો મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. તંત્ર અને નેતાઓ ની સમજાવટ બાદ પણ ગ્રામજનો મતદાન ન કરવા મક્કમ બન્યા છે. ખીજડિયા ગામમાં ૨૦૦ થી વધુ મતદાતા છે. ત્યારે ખીજડિયાથી હામાપુરને જોડતો પુલ તેમજ લુવારા ગામની ઘટનામા ન્યાયિક તપાસની માંગ સાથે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ભુજ તાલુકાનું સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલપર ગામે સજ્જડ બંધ પાડી ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ખાનગી ટ્રસ્ટ ને તંત્ર દ્વારા જમીન ફાળવી આપતા ગામલોકોએ વિરોધ દર્શાવેય છે. ત્યારે ગામના બંને બુથ પર ૦ ટકા વોટિંગ થયું છે. જિલ્લા સાંસદ સહિતના મોવડી મંડળની સમજાવટ પણ સફળ નિવડી નથી. ભૂજ તાલુકાનું અંદાજિત સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા ગામમા આજે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહ્યા છે અને ગામમા આવેલા બે બુથ પર જિલ્લા ૫ અને તાલુકા ૫ માટે એક પણ વ્યક્તિએ મતદાન કર્યું નથી. અગાઉ વહીવટી તંત્ર દ્વારા ગામની મોટી જમીન એક ખાનગી ટ્રસ્ટને ફાળવી દીધી છે. જેનો વિરોધ કરાયો અને ચૂંટણી બહિષ્કારની બેનરો લગાવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જે આ અનુસંધાને ગઈ કાલ મોડી રાત્રિ સુધી સાંસદ વિનોદ ચાવડા, અને દેશલપર ગામનાનજ જિલ્લા ભજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મોવડી મંડળે ગ્રામજનોને મતદાન કરવા માટેની સમજાવટ રૂપી બેઠક પણ કરી હતી. જે નિરર્થક નીવડતા આજે આ ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

તો મહીસાગર  લુણાવાડાના માલતલાવડી ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર યથાવત છે. માલતલાવડી ગામેથી મતદાન બૂથ હટાવી ૫ કિલોમીટર દૂર લઇ જતા સમસ્ત ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી હતી. બૂથ નહિ તો વોટ નહિની ચીમકી યથાવત જોવા મળી હતી. તમામ ગામના લોકો દ્વારા એક પણ મત નાંખવા નથી આવ્યો. ગામ ખાતે બુથ ફાળવવામાં આવશે તો જ મત આપીશું તેવું ગામલોકોએ કહ્યું છે. માલતલાવડી ગામે વર્ષોથી પ્રાથમિક શાળામાં બૂથ હોવા છતાં ૫ કિમી દૂર બુથ લઇ જવામાં આવ્યું છે.

(9:56 pm IST)