Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરાની અદાલતોમાં આજથી પ્રત્‍યક્ષ સુનાવણીઃ કામગીરીનો ધમધમાટ

કોરોના મહામારી સંદર્ભે છેલ્લા એક વર્ષથી બંધ કોર્ટો આજથી ખુલી જતા વકીલોમાં ખુશીની લહેર : જજીસ ડાયસ અને કોર્ટરૂમ વચ્‍ચે એક્રેલિક શીટનું આવરણઃ કોરોનાના નિયમોનું ચૂસ્‍ત પાલન કરવા આદેશઃ જરૂર વગર જેલના કેદીને નહિ લાવવા તાકીદઃ એન્‍ટ્રી પોઈન્‍ટ ઉપર થર્મલ ગનથી લોકોનું તાપમાન માપ્‍યા બાદ જ પ્રવેશ અપાશેઃ ગુજરાત હાઈકોર્ટ પણ ટૂંક સમયમાં ખુલશેઃ ભીડ ભેગી કરી શકાશે નહિ.. કોર્ટ કેન્‍ટીનોમાં ફુડ પેકેટ રાખી શકાશે

અમદાવાદ, તા. ૧ :. ગુજરાતના ચારેય મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની નીચલી અદાલતોમાં આજે સોમવારથી પ્રત્‍યક્ષ સુનાવણીની શરૂઆત થઈ હતી. કોરોનાનું સંક્રમણ વધતા ૨૬-૩-૨૦૨૦ના રોજ કોર્ટોમાં પ્રત્‍યક્ષ બંધ કરી વિડીયો કોન્‍ફરન્‍સથી અરજન્‍ટ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ આગામી દિવસોમાં પ્રત્‍યક્ષ સુનાવણી શરૂ થાય તેવી શકયતા છે.

આજે પહેલી માર્ચના રોજ નીચલી અદાલતો શરૂ થવાની હોવાથી ગત બે દિવસ કોર્ટ સંકુલોને સંપૂર્ણ રીતે સ્‍વચ્‍છ કરી સેનેટાઈઝ કરવામાં આવ્‍યા હતા. કોર્ટના વહીવટી વિભાગ તરફથી વકીલોને સૂચના અપાઈ છે કે જેલમાં રહેલ આરોપીઓને કેસની મુદતમાં કોર્ટ સમક્ષ હાજર ન કરવામાં આવે. જરૂર જણાય તો જ કેદીઓને જેલથી કોર્ટમાં લઈ આવવા.

આ ઉપરાંત વકીલોને સૂચના અપાઈ છે કે કોર્ટ સંકુલમાં બિનજરૂરી ભીડ ભેગી ન કરવી કે ટોળામાં ઉભું રહેવું નહિં. કોર્ટના તમામ એન્‍ટ્રી પોઈન્‍ટ પર થર્મલ ગનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેથી અહીં પ્રવેશતા લોકોનું તાપમાન માપી શકાય.

આ ઉપરાંત કોર્ટ કેન્‍ટીનોમાં મળતા ગરમ નાસ્‍તા અને અન્‍ય ખાદ્યપદાર્થોની જગ્‍યાએ હવે ચા, કોફી, પાણી અને પેકેજ્‍ડ ફૂડ જ રાખવામાં આવશે.

આજથી કોર્ટો ખુલતા વકીલોમાં ખુશીની લહેર જોવા મળી છે. છેલ્લા એકાદ વર્ષથી વકીલોનો તેમજ નોટરી વકીલોના વ્‍યવસાય ઉપર ઘેરી અસર પડી હતી અને કામધંધા વગર રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હતો. આજથી કોર્ટોમાં કાર્યવાહી શરૂ થતાં જ વકીલો ખુશખુશાલ જોવા મળ્‍યા હતા. જો કે છેલ્લા એક વર્ષમાં પોતાના વ્‍યવસાય ઉપર જે અસર પડી હતી તે ભુલી શકાય તેમ નથી તેમ પણ વકીલો કહી રહ્યા હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે કોર્ટોની કામગીરી બંધ હોવાના કારણે કેસોનો ભરાવો પણ વધી જવાના કારણે કોર્ટોનું ભારણ વધી ગયુ છે. લોક-અદાલત સહિતની કામગીરી પણ બંધ હતી.

છેલ્લા કેટલાક સમયથી તાલુકા કક્ષાએ કોર્ટોમાં કાર્યવાહી શરૂ થયેલ હતી, પરંતુ રાજ્‍યના ચાર મહાનગરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં અદાલતોની કામગીરી સંપૂર્ણ બંધ હતી. માત્ર અરજન્‍ટ કાર્યવાહી જેવી કે જામીન અરજી, આગોતરા અરજી તેમજ રીમાન્‍ડ, પ્રોડકશન અંગેની કામગીરી જ કોર્ટોમાં ચાલુ હોય નવા કેસો કોર્ટમાં દાખલ થયેલ તેની ફીઝીકલ સુનાવણી થતી ન હતી, પરંતુ આજથી કોર્ટો ખુલતા હવે ધીમે ધીમે પુનઃ અદાલતોની કામગીરી જોરશોરથી ચાલુ થઈ જશે. આજે કોર્ટો ખુલતા પુરતો કોર્ટ સ્‍ટાફ, ન્‍યાયાધીશોની ઉપસ્‍થિતિ જોવા મળી હતી અને ખાસ કરીને વકીલોમાં ખુશીની લાગણી જન્‍મી હતી.

(11:32 am IST)