Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

અરવલ્લીના મુવાડા ગામના ખેતરમાંથી તાજી જન્‍મેલી બાળકી મળી આવતા ચકચાર

ખેડૂત પરિવારની મહિલાઓએ બાળકીનો કબ્‍જો લઇ તાત્‍કાલીક 108ને જાણ કરી

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં નવજાત બાળકને બિનવારસી હાલતમાં તરછોડી દેવાની એક ઘટના સામે આવી હતી.  માલપુર તાલુકાના અણીયોર રોડ પર આવેલા મુખીના મુવાડા ગામની સીમમાં આવેલા એક ખેતરનાં શેઢા નજીક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું.

અરવલ્લીના અણીયોર નજીકના મુખીના મુવાડા ગામની સિમમાં આવેલા ખેતરના શેઢા પર વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂત પરિવારે શેઢા પર નવજાત શિશુ જોયું હતું. આ બાળક તાજુ જ જન્મેલું હોવાનું જણાઈ આવતા ખેડૂત પરિવારની મહિલાએ બાળકની સાફસફાઈ કરી તાત્કાલિક 108 સેવાને જાણ કરી હતી. 108 આવતા ખેડૂત પરિવારની મહિલાઓ બાળકીને લઈ માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી હતી. જ્યાં તાજી જન્મેલી બાળકીની હાલત જોઈ એમ્બયુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સાર્વજનિક હોસ્પિટલમાં લાવવામાં આવેલી બાળકીની હાલત જોઈ પીડિયા ટ્રીક ડોક્ટર નીલ પટેલની સીધી દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકીને હોસ્પિટલ લાવવમાં આવી ત્યારે ઓક્સિજન લેવલ માત્ર 10 પીએચ જેટલું જ હતું. પરંતુ બાળકીને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા બાદ ઓક્સિજન લેવનું 95 પીએચ એ પહોંચ્યું હતું. હાલ બાળકીની હાલત સ્થિર હોવાનું ડોક્ટર દ્વારા જણાવાયું હતું.

(6:17 pm IST)