Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

દાહોદ પંથકમાં પ્રેમી પંખીડાઓને તાલિબાની સજા ફરમાવતા ગ્રામજનોઃ યુવતીને માર મારતો વીડિયો વાયરલ

મહિલાએ પહેરેલી સાડી ખેંચી પ્રેમી સાથે બાંધી માર મારતા લોકોમાં ફિટકાર

દાહોદ: દાહોદ જિલ્લામાં અનેકવાર માનવતાને શરમાવે તેવો વીડિયો સામે આવ્યો છે. લોકો છાશવારે કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે. ચોર પકડાઈ જવાની વાત હોય કે પછી કોઈને સબક શીખવાડવાની વાત હોય, લોકો ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લે છે. તેઓ જાતે જ ન્યાયપાલિકા બનીને તાલિબાની નિર્ણયો પર આવી જાય છે.

આવા અનેક બનાવો બનતા હોય છે, ત્યારે દાહોદનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકોએ પ્રેમી-પંખીડાઓના બૂરા હાલ કર્યા હતા. દાહોદ જિલ્લામાં વધુ એક મહીલાને માર મારતો વિડિઓ વાયરલ થયો છે. જેમાં મહિલાને તાલીબાની સજા અપાઈ રહ્યું હોય તેવું ભાસી રહ્યું છે. વાયરલ થયેલો વીડિયો ફતેપુરા તાલુકાનો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

પ્રાથમિક પ્રાપ્ત માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પરિણીતાને પ્રેમ કરવાની તાલિબાની સજા મળી છે. આ કિસ્સામાં પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી, ત્યારપછી થોડાક દિવસો બાદ પરત આવતાં આ યુગલને પરિણીતાનો પતિ અને ગ્રામજનો દ્વારા સરેઆમ તાલિબાની સજા આપવામાં આવી છે. પરિણીતાનો પતિ તેમજ અન્ય ટોળાએ પરિણીતાને રીતસર જમીન પર ઢસડી જતા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. મહિલાએ પહેરેલી સાડી પણ ખેંચી કાઢીને તેના પતિના માથે બાંધી દઇ તેને માર મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. અભદ્ર ભાષા અને ગાળાગાળી પણ કરવામાં આવી છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે પંથકમાં ચારેબાજુથી ફિટકાર વરસી રહી છે.

વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પરિણીતાનો પતિ અને ગ્રામજનો પરિણીતાની સાડી પ્રેમીના માથે બંધાવે છે અને પરિણીતાને ઢસડીને ચોકમાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે વીડિયોના આધારે ચાર શખસની અટકાયત કરી તપાસ શરૂ કરી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોતરાયા છે.

એક તરફ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટોળું મહિલા અને તેના પ્રેમી સાથે મારઝૂડ કરવાની કોશિશ કરે છે, ત્યારે એક વ્યક્તિ ડાન્સ કરી રહી છે. જાણે આ ઘટનાનો આનંદ માણી રહી હોય એમ દેખાઇ રહ્યું છે. કેટલીક મહિલાઓ દૂરથી લાચાર બનીને ઘટનાનો તમાશો જોઈ રહી છે. આ સ્થિતિ પરથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની સામાજિક સ્થિતિ કેવી હશે એનો ક્યાસ કાઢી શકાય છે.

(6:17 pm IST)