Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સાબરકાંઠામાં વાઘ આવ્યો હોવાનો વિડીયો વાયરલઃ જો કે વિડીયોમાં કોઇ તથ્ય ન હોવાનું વન વિભાગનું નિવેદન

સાબરકાંઠા : ગુજરાતમાં વાઘ હોવાની વાતો અનેકવાર સામે આવી છે. મહીસાગરમાં વાઘ દેખાયાની પુષ્ટિ પણ થઇ છે. પરંતુ હવે સાબરકાંઠામાં વાઘ દેખાયાની ચર્ચા થઇ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના હુંજ ગામમાં પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવનો બોગસ વીડિયો કોઇએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા વન વિભાગનું રિએકશન સામે આવ્યું છે. વન વિભાગે આ ઘટનાને અફવા ગણાવી છે. સાબરકાંઠાના હુંજ વિસ્તારનો હોવાનો દાવો કરતા આ વીડિયોની વન વિભાગ દ્વારા કોઇ પુષ્ટિ કરાઇ નથી. લોકોને ભયમાં મુકવા માટે વીડીયો બોગસ બનાવી વાયરલ કરનાર સામે પણ તપાસ હાથ ધરાશે.

ગુજરાતમાં અગાઉ પણ વાઘ દેખાયાની ચર્ચા ચાલી છે. જો કે, મહીસાગરમાં વાઘ હોવાનું સત્ય પણ સામે આવ્યું છે. પરંતુ મહીસાગરમાં મધ્ય પ્રદેશથી આવેલો વાઘ લાંબો સમય જીવી શકયો ન હતો. બાદમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુજરાત માટે આ ગર્વની બાબત બની હતી. એક સાથે ત્રણ હિંસક પ્રાણી વાઘ, સિંહ અને દીપડો રાજયમાં હોવાની વાત ગુજરાત માટે ગૌરવપ્રદ છે. જો કે, હવે સાબરકાંઠામાં વાઘ હોવાનો વિડીયો વાયરલ થયો છે. જો કે, આ વીડિયોને કોઇ તથ્ય નથી તેવું વન વિભાગનું કહેવું છે.

સાબરકાંઠામાં વાઘનો જે વિડીયો સામે આવ્યો છે, તે સાબરકાંઠા જિલ્લાના ઇડર અને હિંમતનગર વિસ્તારનો હોવાનું કહેવાય છે. મેસેજમાં એવુ પણ કહેવાયું છે કે, આ વાઘ નહિ, પણ વાઘણ છે. વાઘણની સાથે એક બચ્ચુ પણ જોવા મળ્યું છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, પંચમહાલમાં જે વાઘ દેખાયો હતો તેની માદા છૂટી પડીને સાબરકાંઠામાં આવી પહોંચી છે. જો કે, આ વાતને કેટલું તથ્ય છે તો રામજાણે. પરંતુ વન વિભાગ વીડીયો સાચો હોવાની પુષ્ટિ નથી કરી રહ્યું.

(6:04 pm IST)