Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કલેક્ટરે નિવૃત્ત થતા કર્મીને પોતાની ખુરશી પર બેસાડ્યા

આણંદમાં વર્ગ ચારનાં કર્મીનો નિવૃત્તિ દિવસ ઉજવ્યો : સામાન્ય રીતે સરકારી સેવામાં મોટા અધિકારીઓ નિવૃત થાય ત્યારે નિવૃત્તિ સન્માન સારી રીતે થતા હોય છેે

આણંદ, તા. : કલેક્ટર કચેરી ખાતે આજનો દિવસ સૌ કર્મયોગીઓ માટે આનંદનો દિવસ બની રહ્યો. વર્ગ ચારના પ્રામાણિક, ફરજ નિષ્ઠ પટાવાળાનું અદકેરું નિવૃત્તિ સન્માન થયું. સામાન્ય રીતે સરકારી સેવામાં મોટા અધિકારીઓ નિવૃત થાય ત્યારે નિવૃત્તિ સન્માન સારી રીતે થતા હોય છે. લગભગ બધા નાના મોટા કર્મચારીઓ પણ તેઓનું સન્માન શુભેચ્છાઓ આપતા હોય છે. આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી આજે નિવૃત થયેલા સરકારમાં વર્ગ ચારની કક્ષાના ખૂબ પ્રામાણિક, ફરજ નિષ્ઠ અને સમગ્ર સેવા સદનમાં તેઓનો દાખલો બેસે, ઉદાહરણ અપાય એવા પટાવાળા તરીકે સેવા આપતા ફતેસિંહ એસ. મકવાણા આજે નિવૃત થતા બધાના મન અને આંખો ભરાઈ આવી હતી.બધાજ નાયબ કલેક્ટર, મામલતદાર , અધિક કલેક્ટર સહિત સૌ કોઈએ તેઓની નિષ્ઠા, પ્રામાણિકતાનું ભારોભાર અભિવાદન કર્યું. ફતેસિંહ મકવાણા એક મુક સેવક તરીકે લોકચાહના મેળવી હતી.

           કલેક્ટરને મળવા , મુલાકાતે, રજુઆત માટે આવતા સામાન્ય નાગરિકોનું પણ ધ્યાન રાખતા હતા અને કાળજી લેતા હતા. પણ વાત આટલેથી ના અટકી, કલેક્ટર આર.જી.ગોહિલે પણ કહેવામાં નાના પણ કર્તવ્ય પાલનમાં સૌથી મોટા કર્મચારી ફતેસિંહ એસ મકવાણાનું અદકેરું સન્માન કર્યું. કલેક્ટર આર.જી.ગોહિલે પોતાની ખુરશી એટલે કે કલેક્ટરશ્રીની ખુરશી ઉપર બેસાડીને તેઓની ફરજ નિષ્ઠાનું સન્માન કર્યું. ત્યારે સમગ્ર સેવાસદનના કર્મચારી, અધિકારી અન્ય વર્ગ ચારના કર્મી સૌએ કર્મ યોગીના કલેક્ટર દ્વારા થયેલુ સન્માન અવકાર્યું હતું અને ફતેસિંહ એસ. મકવાણાને શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ દ્વારા વર્ગ ચારના કર્મચારીનું ભાવ ભર્યું સન્માન કરાયું. કલેક્ટરનાં વર્ગ ચારનાં કર્મીઓ પ્રત્યૈની સન્માનની લાગણીને સૌકોઇએ આવકારી હતી. જેથી નાના અને મોટા તમામ કર્મચારી માટે આનંદનો દિવસ રહ્યો.

(8:02 pm IST)