Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ભારતમાં સ્પુતનિક V રસીનું સપ્ટેમ્બરમાં ઉત્પાદન થશે શરુ : રશિયામાં વધતા કોરોના કેસને કારણે થયો વિલંબ

ઓગસ્ટમાં સ્પુતનિક V અને સ્પુતનિક લાઈટની ડિલીવરી વેગવંતી બનાવવા યોજના

નવી દિલ્હી : રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે જણાવ્યું હતું કે ભારતમાં રશિયાની કોરોના રસી સ્પુતનિક v નું ઉત્પાદન સપ્ટેમ્બરમાં સંપૂર્ણપણે શરૂ થવાની આશા છે. આરડીઆઈએફ (RDIF) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર “ભારતમાં સ્પુતનિક  Vનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની સંભાવના છે.”

RDIFએ એવી આશા વ્યક્ત કરી હતી કે ભારત વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદન કંપનીઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ગ્લેન્ડ ફાર્મા, હેટેરો બાયોફાર્મા, પેનાસીયા બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા, વિર્ચો બાયોટેક અને મોરેપેન લેબોરેટરીઝની સાથે-સાથે Sputnik V વેક્સિન માટે પણ મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બની જશે.ભારતમાં RDIFની યોજના ઓગસ્ટમાં Sputnik V અને Sputnik લાઈટની ડિલીવરી વેગવંતી બનાવવાની છે.

એવુ પણ આરડીઆઈએફ (RDIF) દ્વારા ઉમેરવામાં આવ્યું છે. અગાઉ, ડો. રેડ્ડીએ કહ્યું હતું કે રશિયામાં કોરોનાના વધતા કેસોને કારણે સ્પુતનિક V રસીમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ઓગસ્ટના અંત સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

ડો. રેડ્ડી લેબોરેટરીઝે ભારતમાં સ્પુતનિક  Vના ઉત્પાદન માટે મે 2021માં RDIF સાથે કરાર કર્યો હતો. રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે સ્પુતનિક V રસીના ઉત્પાદન માટે ભારતની છ રસી ઉત્પાદન કંપની સાથે કરાર કર્યા છે. આ કરાર હેઠળ ડો. રેડ્ડી ભારતમાં આ રસીના 12.5 કરોડ ડોઝ વેચશે.

સ્પુતનિક Vને ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી દ્વારા ડીઝાઈન કરવામાં આવી છે. તેનું પોતાનું ટ્વીટર એકાઉન્ટ છે. જે વિશ્વની પ્રથમ રજિસ્ટર્ડ COVID રસી તરીકે પોતાની જાહેરાત કરે છે અને રશિયા, દક્ષિણ કોરિયા, આર્જેન્ટિના અને યુએઈ સહિત 69 દેશોમાં તેને મંજૂરી આપવામાં આવી છે

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા રસી અને રશિયાની Sputnik લાઈટ વેક્સીન પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ બંને રસીઓના કોકટેલનો ઉપયોગ કર્યા પછી કોઈ ખરાબ કે ગંભીર આડ અસર થઈ નથી, તેમજ રસીકરણ બાદ કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી.

RDIFએ કહ્યું, ‘અત્યાર સુધીમાં 50 સ્વયંસેવકોને રસી કોકટેલ આપવામાં આવી છે અને ટ્રાયલમાં સહભાગી થવા માટે નવા લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે રસીના સંયુક્ત ઉપયોગ સલામત છે. રસીના સંયુક્ત ઉપયોગની કોઈ ગંભીર આડ અસર નથી.

(10:42 pm IST)