Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

દેશમાં દર વર્ષે કેન્સરના કારણે ૭ લાખ લોકો મોતને ભેટે છે

કેન્સર રીસર્ચના ડાયરેકટર ડો. શશાંક પંડયાએ જાહેર કરેલી વિગતો

ગાંધીનગર: ભારતમાં 2020માં 13 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા છે અને 2030 સુધીમાં આ આંક 15 લાખ સુધી પહોંચી શકે છે તેમ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ શંશાક પંડ્યાએ ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત પ્રયાસ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી યોજાયેલ “કેન્સર સામે સતર્કતા” પરિસંવાદમાં જણાવ્યું હતુ.

સિવિલ મેડીસીટીમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના નવા બિલ્ડીંગ ખાતે આયોજીત સેમિનારને સંબોધતા ડૉ. પંડ્યાએ કહ્યું હતુ કે, ભારતમાં દર એક લાખની વસ્તીને 70 થી 90 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ જોવા મળે છે. દર વર્ષે 7 લાખ જેટલા દર્દી કેન્સરથી મૃત્યુ પામે છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ભારતમાં કેન્સરના જોવા મળતા દર્દીઓમાં પુરુષોમાં ફેફસા, પેટ અને મોઢાના કેન્સરનું પ્રમાણ જ્યારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયના મુખ અને મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે .

આ સેમિનારમાં વિષય નિષ્ણાંત તરીકે ઉપસ્થિત હેડ એન્ડ નેક વિભાગના આસિસટન્ટ પ્રોફેસર ડૉ. પ્રિયાક રાઠોડે મોઢાના ભાગના કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે, ભારતમાં નોંધાતા મોઢા અને ગળાના ભાગના કેન્સરગ્રસ્ત દર્દીઓમાંથી 60 ટકાથી વધુ દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર અર્થે આવે છે. આ પ્રકારના કેસમાં વહેલું નિદાન કરી સારવાર શરૂ કરવામાં આવે તો સારા પરિણામો મળી શકે છે.

ડૉ. પ્રિયાંકે જણાવ્યું હતુ કે, આ પ્રકારના કેન્સર માટેના જવાબદાર પરિબળોમાં તમાકૂ અને તેની બનાવટો, સિગારેટ અને બીડી, તીખા મસાલેદાર ખોરાક અને દારૂનું સેવનનો સમાવેશ થાય છે.

તેમણે આ કેન્સરના મુખ્ય લક્ષણો વર્ણવતા કહ્યું કે, લાંબા સમયથી ચાંદુ રૂઝાતું ન હોય, અવાજ બદલાઇ ગયો હોય, મોઢા અને ગળામાંથી લોહી નીકળવું, ખોરાક લેવામાં તકલીફ પડવી અને મોઢામાં અથવા ગળાના ભાગમાં ગાંઠ જોવા મળે તો સત્વરે નિદાન કરાવવું જોઇએ.

સ્તન કેન્સરના નિષ્ણાંત આસિસટન્ટ પ્રોફેસર ડૉ. કેતૂલ પૂંજે સ્તન કેન્સરની વૈશ્વિક સ્થિતિ પર પ્રકાશ પાડતા કહ્યું કે,વિશ્વની કેન્સરગ્રસ્ત સ્ત્રીઓમાં 25 ટકા દર્દીઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બને છે. આ પ્રમાણ ગુજરાતમાં 21 ટકા જેટલું છે. પશ્ચિમી દેશોમાં સ્તન કેન્સરની સરેરાશ ઉમર 60 વર્ષ છે જ્યારે ભારતમાં આ સ્થિતિ 50 વર્ષની ઉમરે સર્જાય છે. તેઓએ દરેક સ્ત્રીને 40 વર્ષની ઉમર બાદ વર્ષે એક વખત મેમોગ્રાફી કરાવવા સલાહ આપી હતી. તેઓએ 25 વર્ષની ઉમર પછી દર મહિને સ્ત્રીઓને જાત તપાસ કરવાનું સૂચન કર્યું હતુ.

ગર્ભાશયના મુખના કેન્સર વિષય પર ગાયનેક વિભાગના પ્રોફેસર ડૉ. બિજલ પટેલે જણાવ્યું કે, જી.સી.આર.આઇ.માં કેન્સરની સારવાર અર્થે આવતા દર્દીઓમાંથી 80 ટકા કેન્સરનું પ્રસરણ થઇ ગયા બાદ સ્ત્રીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં આવતા હોવાનું જણાવ્યું હતુ. ગત વર્ષે 1,23,907 ગર્ભાશયના મુખના કેન્સરના નવા કેસ જોવા મળ્યા હતા જેમાંથી 77,384 સ્ત્રીઓનું આ કેન્સરના કારણે મૃત્યુ નિપજવાનું કહ્યું હતુ. તેઓએ સ્ત્રીઓને દર ત્રણ વર્ષે ગર્ભાશયના મુખના કેન્સર માટેની તપાસ કરાવવા કહ્યું હતુ.તેઓએ પેપ ટેસ્ટ, વી.આઇ.એ. અને વીલી ટેસ્ટ કરાવવાની સ્ત્રીઓને સલાહ આપી હતી.

પેલિએટીવ મેડીસીન થેરાપીના નિષ્ણાંત ડૉ. પ્રિતી સંધવીએ કહ્યું કે, પેલિએટીવ મેડીસીન એ અસાધ્ય કેન્સર રોગથી પીડાતા દર્દીઓ માટેની સારવાર થેરાપી છે. આ થેરાપીમાં કેન્સર, શ્વાસની બિમારી, હ્યદયરોગ, એઇડ્સ, ગંભીર પ્રકારના કિડની રોગગ્રસ્ત દર્દીઓ કે જે પીડા સાથે લાંબુ જીવન પસાર કરે છે તેમને પેલિએટીવ થેરાપી દ્વારા શારિરીક,માનસિક અને ભાવનાત્મક તકલીફોમાંથી રાહત આપવા સારવાર અપાય છે.

(3:41 pm IST)