Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતો જીવરાજ પાર્ક ફાઇઓવર બ્રીજ સાથે ૭ દિવસ માટે બંધ કરાયો

પોલીસે મેટ્રો પ્રોજેકટની કામગીરી સરળતાથી થઇ શકે તે માટે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદ શહેરનો ટ્રાફિકથી ધમધમતો જીવરાજ પાર્ક ફ્લાયઓવર બ્રિજ ફરી એકવાર બંધ કરવા માટેની જાહેરાત કરી છે. મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈ આ બ્રિજ 7 દિવસ સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.

અમદાવાદ શહેરને આધુનિક બનાવવા માટે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર જીવરાજ પાર્ક ફ્લાયઓવર આજથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ રહેતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. જો કે, ગત મહિને પણ બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો અને લોકોને જીવરાજ પાર્ક ચાર રસ્તાથી વેજલપુર તરફના માર્ગ પર ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા.

મેટ્રો રેલનું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી 7 દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. ત્યારે આ ફ્લાયઓવર બંધ કરતા તમામ ટ્રાફિક વેજલપુર તરફ ડાયવર્ટ થયો છે. વેજલપુર રોડ – બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા – વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ – ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા – ધરણીધર ચાર રસ્તા – સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી વાહનચાલકો પહોંચાડશે.

(4:31 pm IST)