Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

સ્વામીજીએ પરમધામગમન કર્યું પરંતુ એમના આશીર્વાદ સદાય દેશ, ગુજરાત અને સહુ પર વરસતા રહેશે : ગુજરાતે મોટા સંતપુરુષ ગુમાવ્યા છે :મુખ્ય મંત્રીવિજયભાઈ રૂપાણી

હરિધામ સોખડા ખાતે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કરી પુષ્પાંજલી અર્પી

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે હરિધામ સોખડા ખાતે યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કરી તેમના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરી હતી.મુખ્ય મંત્રી સ્વામીજીના અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.
    ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી ગુરુવર્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજીને શ્રધાંજલિ પાઠવતા મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે સ્વામીશ્રી સદેહે આપણી વચ્ચે નથી,પરંતુ તેઓ સદાય આપણી વચ્ચે જ છે.સ્વામીજીના આશીર્વાદ કાયમ માટે દેશ પર, ગુજરાત પર અને સહુ પર વરસતા રહેશે એવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.
સામાજિક સમરસતા જાળવવામાં પણ સ્વામીજી બહુ મોટું યોગદાન હતું તેમ જણાવતા મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, સ્વામીજી હંમેશા કહેતા કે આત્મીય બનો.આત્મીય ભાવથી તેમણે અનેક પરિવારો અને વ્યક્તિઓના સંબધોમાં મધુરતા અને સુમેળ સાધી પરિવારો તૂટતાં બચાવ્યા છે.આત્માથી આત્માનો ભાવ અનુભવે તો જ પરમાત્મા પ્રાપ્ત થાય છે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
   મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે ગુજરાતનું ભલું થાય,ગુજરાત સુખી સંપન્ન બને તેની હંમેશા સ્વામીજી ચિંતા કરતા હતા.ગુજરાતને આજે તેમની મોટી ખોટ પડી છે.ગુજરાતે બહુ મોટા સંતપુરુષ ગુમાવ્યા છે. સ્વામીજીના ચરણોમાં વંદન કરી ગુજરાત તેમને કાયમ યાદ કરી તેમણે ચીંધેલા માર્ગે ચાલશે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યંત્રીએ જણાવ્યું કે તેઓ હંમેશા કહેતા કે દાસ નો દાસ બનીને રહેવું.યુવાનો માટે તેઓ પ્રેરણામૂર્તિ સમાન હતા.સ્વામીજી આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો, સમાજ સેવાના કાર્યો આપણી વચ્ચે છે.તેમણે ચીંધેલા માર્ગે આપણે ચાલીશું તો તેમને સેવેલા સ્વપ્નો, આકાંક્ષાઓ  ચોક્કસ પુરી કરીશું એ જ એમને સાચી શ્રધાંજલિ છે.
   મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ગુજરાત પર જ્યારે જ્યારે આફત આવી ત્યારે તેઓએ હંમેશા નાગરિકોની મદદ કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે યુવાઓમાં વ્યસન મુક્તિ ,શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.
   સ્વામીજીના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી હતી.
   આ પ્રસંગે હરિધામ સોખડાના સંતો,અનુપમ મિશન મોગરીના પુ.જશભાઈ સાહેબ, દેશ વિદેશના હરિભક્તોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરૂ હરિ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરી ભાવાંજલિ આપી હતી.

(5:41 pm IST)