Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પાટણમાં લમ્પી વાયરસને પગલે વારાહી ગૌશાળાના સંચાલકોએ નવા પશુઓ ન સ્વીકારવા નિર્ણય લીધો

બહારથી આવતા પશુઓનું સંક્રમણ અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે ગૌશાળાના સંચાલકોનો નિર્ણય

ગુજરાતના 14 જિલ્લામાં ફેલાયેલા લમ્પી વાયરસનો કહેર પાટણ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. જેમાં પાટણમાં લમ્પી વાયરસને ધ્યાને રાખી વારાહી ગૌશાળાના સંચાલકોએ હાલ પુરતા નવા પશુઓ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે. તેમજ બહારથી આવતા પશુઓનું સંક્રમણ અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે ગૌશાળાના સંચાલકોએ નિર્ણય લીધો છે. હાલ વારાહી ગૌશાળામાં 4 હજારથી વધુ પશુઓ છે. જેથી જો નવા પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો હોય તો તે અન્ય પશુઓને પણ સંક્રમિત કરી શકે છે. આ ઉપરાંત ગૌશાળા સંચાલકોએ કહ્યું કે, તેમની પાસે નવા પશુઓ માટે અલગથી જગ્યાની પણ વ્યવસ્થા નથી.

આ ઉપરાંત ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસના સંક્રમણને ધ્યાને લઇ કલેકટર કચેરી, ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ બાબતની જિલ્લા વિકાસ અધિકારી પાસેથી વિગતે માહિતી જાણી હતી

રાજયમાં લમ્પી ચર્મરોગ અસરગ્રસ્ત 14  જિલ્લાઓ તેમાં વિશેષ કચ્છ, બનાસકાંઠામાં નિષ્ણાંત વધુ ટીમ સક્રિય કરાશે તેમજ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં 24*7 રસીકરણ કરાય. અસરગ્રસ્ત પશુઓના આહાર વિહાર રહેઠાણની સ્વચ્છતા પર વિશેષ કામગીરી કરાય તેમજ દૈનિક મુલાકાતો અને નિરીક્ષણ અને જરૂરી ફેરફારના આયોજન ટેકનોલોજી દ્વારા સબંધિત સૌને જણાવવા પર ચર્ચા કરાઈ હતી. લમ્પી અસરગ્રસ્ત અને બિનઅસરગ્રસ્ત પશુ પર માર્કો લગાવવાનું તેમજ તમામ પશુઓના રસીકરણ કરવાનો વેગ વધારવા જણાવ્યું હતું.

 

(4:58 pm IST)