Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

બનાસકાંઠાના સીમા દર્શન પર પ્રવાસીઓની ભારે ભીડ: નડાબેટ સીમા પર પ્રવાસીઓ દરિયો જોવા ઉમટી પડયા

સીમા દર્શન પ્રોજેકટ લોન્ચ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો સીમા દર્શન માટે ધસારો

બનાસકાંઠાના  સીમા દર્શન પર પ્રવાસીઓની  ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં નડાબેટ સીમા પર રણ દરિયો બનતા પ્રવાસીઓ દરિયો જોવા ઉમટી પડયા છે. જેમાં સીમા દર્શન જોવા માટે પ્રવાસીઓએ ટિકિટ લેવા માટે લાંબી લાઈન લગાવી હતી. તેમજ સીમા દર્શન પ્રોજેકટ લોન્ચ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સીમા દર્શન પર આવી રહ્યા છે.

આ ઉપરાંત હાલમાં ખુલ્લા મૂકવામાં આવેલા નડાબેટ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા 14 જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરાઇ હતી. તથા, સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટીજજંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, ૫૫ ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-૨૭ એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવી છે.

સુઈગામથી નડાબેટ જતાં જ નડેશ્વરી મંદિરે જવા અલાયદો રસ્તો અને દર્શન કરી પરત 500 મીટરના અંતરે આવેલા ટી જંકશન પર પ્રત્યેક વ્યક્તિના રૂ.100 પ્રવેશ ફી લઈ અહીં મુક્ત મને ફરી શકાશે. ત્યાંથી બસમાં ઝીરો લાઈન સુધી લઈ જવાશે. જેમાં તમામ મ્યુઝિયમ અંદરથી જોઈ શકાશે. માત્ર એડવેન્ચર એક્ટિવિટી ચાર્જ અલગથી ચૂકવવો પડશે.

સીમા દર્શન પ્રોજેક્ટ એ એક અનોખો કાર્યક્રમ છે જેમાં સ્થાનિક લોકોની રોજગારી સાથે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા ભારતીય સીમાના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરી અને સ્થાનિક માહિતીનો સુભગ સમન્વય છે. આ સીમા દર્શન કાર્યક્રમ અન્વયે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓને નડાબેટ- ઝીરો પોઇન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સીમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.

 

(11:49 pm IST)