Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગીર-આસપાસના વિસ્‍તારોમાં સિંહોની સંખ્‍યા વધીને ૧૨૦૦ થઇ !

વનરાજનું સામ્રાજ્‍ય મોટું થયું : ગીર,ગીરનાર, મિતિયાણા અને પાણીયા જેવા અભયારણ્‍ય વિસ્‍તારોમાં સિંહની વસ્‍તી છે : ૨૦૨૨ની સિંહોની વસ્‍તી દરમિયાન કેટલાય સિંહ બાળ ધ્‍યાનમાં આવ્‍યા : દરિયાકાંઠાના વિસ્‍તારોમાં સિંહની વસ્‍તીમાં ૩૮ ટકાનો વધારો નોંધાયો : ૨૦૨૦માં દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ૧૧૦ સિંહ હતા અને ૨૦૨૨માં આ સંખ્‍યા વધીને ૧૫૦ થઇ છે

નવી દિલ્‍હી,તા. ૧ : ગુજરાતમાં એશિયાટિક સિંહની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ધરતી પરના તેમના એકમાત્ર ઘરમાં તેમની અંદાજિત વસ્‍તી વધીને ૧૨૦૦ થઈ ગઈ છે. જોકે, આ આંકડો સત્તાવાર નથી. ૨૦૨૨નો સત્તાવાર આંકડો ૭૬૦ છે પરંતુ વનરક્ષકોનું કહેવું છે કે, અસલ આંકડો આનાથી વધારે હોઈ શકે છે કારણકે છેલ્લા એક વર્ષમાં સિંહો તેમની હદ વિસ્‍તારી ચૂક્‍યા છે.

૨૦૨૨ની ગણતરીના આંકડાની સત્તાવાર જાહેરાત હજી બાકી છે પરંતુ તેના પરથી એટલું તો સ્‍પષ્ટ થાય છે કે, ગ્રેટર ગીર વિસ્‍તારમાં સિંહોની વસ્‍તીમાં વૃદ્ધિ થઈ છે. વન વિભાગના અધિકારીઓના કહેવા અનુસાર, દર મહિને પૂનમ અવલોકન કરવામાં આવે છે એટલે કે પૂનમે સિંહોની વસ્‍તી ગણવામાં આવે છે. મે મહિનાની પૂનમે બે વખત વસ્‍તી ગણવામાં આવી હતી. આ ડ્રાઈવનું નામ પૂનમ અવલોકન છે પરંતુ સિંહોની સંખ્‍યા રાત અને દિવસ એમ બંને સમયે ગણવામાં આવી હતી.

અધિકારીઓનું કહેવું છે કે, ઝીણવટપૂર્વક સિંહોની ગણતરી કરીએ એટલે તેમના સ્‍વાસ્‍થ્‍ય અંગેની પણ જાણકારી મળી જાય અને જો કોઈ મૃત્‍યુ થયા હોય તો તેની પણ વિગત સામે આવી જાય. ૨૦૨૦માં સિંહોની સત્તાવાર જાહેર થયેલી સંખ્‍યા ૬૭૪ હતી. જે દર્શાવે છે કે ૨૦૧૫ કરતાં ૧૫૧ સિંહ વધ્‍યા છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડીયાનો અહેવાલ જણાવે છે.

એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું કે, સિંહનો બિનસત્તાવાર અંદાજિત આંકડો ૧૨૦૦ની આસપાસ પહોંચી ગયો છે. ગીર, ગિરનાર, મિતિયાણા અને પાણીયા જેવા અભયારણ્‍ય વિસ્‍તારોમાં સિંહની વસ્‍તી છે. ૨૦૨૨માં આ વિસ્‍તારોમાં સિંહની સંખ્‍યા ૩૬૫ જેટલી નોંધાઈ છે એટલે કે ૨૦૨૦ની સરખામણીએ ૯ સિંહ વધ્‍યા છે. અધિકારીનું કહેવું છે કે, સિંહની વધતી સંખ્‍યા મોટાભાગે ગ્રેટર ગીર વિસ્‍તારમાં જોવા મળી છે.

સિંહોના ટોળા છૂટા પડીને અલગ અલગ વિસ્‍તારોમાં જઈ રહ્યા છે અને તેમની હદ વિસ્‍તારી રહ્યા છે સાથે જ આ રેન્‍જમાં તેમની સંખ્‍યા પણ વધી રહી છે, તેમ અધિકારીએ ઉમેર્યું. ગુજરાતના વન પર્યાવરણ રાજયમંત્રી જગદીશ પંચાલને સિંહોની વસ્‍તી ૧૨૦૦ની આસપાસ થઈ ગઈ છે તે અંગે પૂછવામાં આવતાં તેમણે અમારા સહયોગી અખબાર ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાને કહ્યું, ‘અમે સરકાર તરીકે ૨૦૨૦ની સત્તાવાર આંકડા ૬૭૪ને વળગી રહીશું.' કેંદ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનમાં કાર્યરત એક સિનિયર અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું, ‘અમે લાંબા સમયથી સલાહ આપી રહ્યા છીએ કે, ગુજરાતે સિંહોની વસ્‍તી ગણવા અને અન્‍ય દરેક પ્રાણીને ઓળખવા માટે કેમેરા-ટ્રેપ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આ પદ્ધતિનો ઉપયોગ વાઘ માટે પણ કરવામાં આવે છે પરંતુ ગુજરાતને જાણે આ સૂચન અમલમાં મૂકવાની ઈચ્‍છા જ નથી. ગુજરાતનો વન વિભાગ સિંહની વસ્‍તી ગણતરી માટે બહારની કોઈ એજન્‍સીને પણ રાખવા તૈયાર નથી.

અધિકારીએ આગળ કહ્યું, ‘૨૦૨૦માં સ્‍વયંસેવકોનો સમાવેશ વસ્‍તી ગણતરીમાં નહોતો કરવામાં આવ્‍યો. સામાન્‍ય રીતે તેઓ આ પ્રકારના મિશનનો ભાગ હોય છે.' નામ ના આપવાની શરતે ગુજરાતના વન વિભાગના એક સિનિયર અધિકારીએ સ્‍વીકાર્યું કે, ૨૦૨૨ની ગણતરી દરમિયાન કેટલાય સિંહ બાળ ધ્‍યાનમાં આવ્‍યા હતા. ‘તેમની ઉંમર લગભગ એક વર્ષ જેટલી હશે.' સિંહ બાળની જીવતા રહેવાની સંભાવના ૪૦ ટકા જેટલી હોય છે જેના કારણે આંકડાનું આકલન કરતી વખતે વન વિભાગ સતર્ક રહે છે, તેમ અધિકારીએ ઉમેર્યું.

દરિયાકાંઠાના વિસ્‍તારોમાં સિંહની વસ્‍તીમાં ૩૮ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૨૦માં દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ૧૧૦ સિંહ હતા અને ૨૦૨૨માં આ સંખ્‍યા વધીને ૧૫૦ થઈ છે, તેમ વિગતોના જાણકાર સૂત્ર પાસેથી માહિતી મળી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના દરિયાઈ વિસ્‍તારોમાં આ વૃદ્ધિ જોવા મળી છે. સૂત્રાપાડા, કોડીનાર, ઉના અને વેરાવળનો પટ્ટો તેમજ રાજુલા, જાફરાબાદ અને નાગશ્રી એમ બંને પટ્ટામાં સિંહોની સંખ્‍યા વધી છે તેમ સૂત્રોનું કહેવું છે.

(10:27 am IST)