Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગુજરાતમાં ૨૬ હજારથી વધુ મહિલા વકીલ દેશમાં ચોથા સ્‍થાને

૨૬ ટકા મહિલા વકીલોઃ સૌથી વધુ મહિલા વકીલ ધરાવતા રાજ્‍યોમાં મેઘાલય, મહારાષ્‍ટ્ર, ગોવા, કેરળ મોખરા સ્‍થાને

નવી દિલ્‍હી,તા. ૧: લોકસભાની પ્રશ્નોતરીમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર જુલાઇ ૨૦૨૧ની સ્‍થિતિએ ગુજરાતમાં કુલ વકીલો ૧.૦૩ લાખ હતા. જેમાંથી પુરુષ વકીલો ૭૭૪૨૨ અને મહિલા વકીલો ૨૬૫૬૮ હોવાનું સામે આવ્‍યું છે. આમ, ગુજરાતમાં પ્રત્‍યેક ૧૦૦માંથી સરેરાશ ૨૬ મહિલા વકીલ છે. મેઘાલયમાં કુલ ૮૨૧ સામે ૪૮૭ મહિલા વકીલો છે. આમ, ૫૯.૩૧ ટકા સાથે સૌથી વધુ મહિલા વકીલ ધરાવતા રાજયોમાં મેઘાલય મોખરે છે.

મોટા રાજયોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર, કેરળમાં મહિલા વકીલોનું પ્રમાણ ગુજરાત કરતાં વધારે છે. મહારાષ્ટ્રમાં ૩૫ ટકા જયારે કેરળમાં ૨૮ ટકા મહિલો વકીલો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં મહિલા વકીલોનું પ્રમાણ માત્ર ૮.૭૫ ટકા છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૪ લાખ વકીલો સામે મહિલા વકીલ ૩૫૦૨૨ છે. પヘમિ બંગાળ (૨૦.૭૫%), તામિલનાડુ (૧૩.૭૪%), પંજાબ (૧૫.૬૯%),મધ્‍ય પ્રદેશ (૧૬%)ગુજરાત કરતાં ઓછા મહિલા વકીલ ધરાવે છે. સમગ્ર દેશમાં કુલ ૧૮.૫૭ લાખ વકીલ સામે મહિલા વકીલો ૨.૮૪ લાખ છે. આમ, મહિલા વકીલોનું પ્રમાણ માત્ર ૧૫.૩૧ ટકા છે. બીજી તરફ મહિલા વકીલોના પ્રમાણ અંગે આસામ, બિહાર, દિલ્‍હી, હિમાચલ, ઝારખંડ જેવા રાજયો દ્વારા કોઇ વિગત રજૂ કરવામાં આવી નહોતી.

(10:52 am IST)