Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

તહેવારોના કારણે વિમાન ભાડા ૧૩૩ ટકા વધ્‍યા

અમદાવાદથી ગોવાનું ભાડુ રૂા. ૧૭પ૦૦, ચેન્‍નાઇનું ૧૭પ૦૦, જયપુરનું ૧૦૬૦૦

અમદાવાદ તા. ૧: આ વખતે તહેવારો વીક એન્‍ડ ની આજુબાજુ આવતા હોવાથી વીક એન્‍ડ લાંબા મળવાના છે એટલે લોકો નાના નાના પ્રવાસોનું આયોજન કરી રહ્યા છે. આના કારણે જાણીતા પ્રવાસન સ્‍થળોના વિમાન ભાડા ૧૩૩ ટકા જેટલા વધી ગયા છે.

દાખલા તરીકે, ૧૧ ઓગસ્‍ટ અને ગુરૂવારે રક્ષાબંધન છે, શુક્રવારની એક રજા મુકી દે તો લોકોને પાંચ દિવસની રજા મળી જાય કેમકે સોમવારે ૧પ ઓગસ્‍ટની રજા છે. ત્‍યાર પછીના અઠવાડીયે ગુરૂવારે જન્‍માષ્‍ટમી છે, શુક્રવારની એક રજા મુકે તો ૪ દિવસની રજા મળી જાય છે. ગુજરાતના પ્રવાસીઓ માટે ફરવાના સ્‍થળ તરીકે ગોવા કાયમની જેમ સદા બહાર છે. જયારે ઉત્તરના પહાડી વિસ્‍તારોમાં પણ ઘણાં લોકો જાય છે તેમ ટ્રાવેલ એજન્‍ટસ એસોસીએશન ઓફ ઇન્‍ડીયાના ચેરમેન વીરેન્‍દ્ર શાહ કહે છે. તેમણે કહ્યું કે આ વર્ષે અમુક પડકારો વચ્‍ચે પણ ભારતમાં પ્રવાસન ઉદ્યોગ સારૂં પ્રદર્શન કરી રહ્યો છે.

ટ્રાવેલ એજન્‍ટસ ફેડરેશન ઓફ ઇન્‍ડીયાના ગુજરાત ચેપ્‍ટરના ચેરમેન મનીષ શર્માએ કહ્યું, ‘‘માંગમાં જોરદાર વધારો અને એટીએફ.ના ભાવો વધવાથી વિમાન ભાડા ડબલથી પણ વધારે થઇ ગયા છે. ડાયનેમીક પ્રાઇસીંગ સીસ્‍ટમવાળા પ્રવાસોમાં હવાઇ ભાડા રોકેટ ગતિએ વધ્‍યા છે. હોટેલ ભાડામાં પણ નોંધ પાત્ર વધારો જોવા મળ્‍યો છે છતાં હોટલો બુક થઇ રહી છે.''

આંતરરાષ્‍ટ્રીય પ્રવાસો માટે દુબઇ, થાઇલેન્‍ડ, ફુકેટ, વીએટનામ, સીંગાપુર અને મલેશીયા લોકોના પસંદગલીના સ્‍થળ છે. તો રોડ પ્રવાસે જનારા લોકો માઉન્‍ટ આબુ, લોનાવલા, ઉદયપુર, કુંભલગઢ, સાપુતારા, સાસણગીર અને દિવની પસંદગી કરી રહ્યા છે. આના કારણે ટેક્ષીઓના ભાડામાં પણ કિલોમીટરે ર રૂપિયા જેટલો વધારો થઇ ગયો છે.

(3:27 pm IST)