Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગુજરાતમાં જુલાઇમાં કોરોનાથી ર૪ના મોત ર૬ ટકા મૃતકોએ નહોતી લીધી રસી

મૃતકોમાંથી ૬પ ટકા ૬૦ વર્ષથી ઉપરના હતા

અમદાવાદ તા. ૧: જુનના ર મોતની સરખામણીમાં જુલાઇ મહીનામાં ગુજરાતમાં કોરોનાના કારણે ર૪ મોત થયા હતા જયારે કોરોના કેસ પણ જૂનના ૬૮ર૮ની સામે વધીને રર૧૯૯ થયા હતા.
આમ, જૂન મહિનામાં દર ૩૪૧૪ કેસોએ ૧ મોત થયું હતું, જયારે જુલાઇ મહિનામાં દર ૯રપ કેસોએ ૧ મોત થયું છે. ખાલી અમદાવાદ શહેરમાં જ ૧પ મોત થયા છે જે જુલાઇ મહિનાના કુલ મોતના ૬૩ ટકા છે.
રાજયના આરોગ્‍ય વિભાગના વિશ્‍લેષણમાં જણાયું છે કે, ત્રીજી લહેરની સરખામણીમાં આ વખતે ફેરફાર થયા છે. આ વખતે અમદાવાદમાં થયેલ મોતમાંથી ર/૩ ૬૦ વર્ષથી ઉપરના વયજૂથના જયારે ૪૦ ટકા જેટલા મતો ૪૦ થી ૬૦ વય જૂથના થયા છે.
મોત થયા તેમાંના ર૬ ટકા લોકોએ કાં તો રસી નહોતી લીધી અથવા તેમણે બન્‍ને ડોઝ નહોતા લીધા તો ૭૪ ટકા લોકોએ બન્‍ને ડોઝ લીધેલા હતા. લગભગ ૬૦ ટકા મોત હોસ્‍પીટલમાં દાખલ થયાના પહેલા ત્રણ દિવસમાં થયા હતા જયારે ર૦ ટકા મોત હોસ્‍પીટલમાં દાખલ થયાના ર૪ કલાકમાં જ થયા હતા.
એસીએસ (હેલ્‍થ) મનોજ અગ્રવાલે કહ્યું કે મોટા ભાગના મોત એવા પેશન્‍ટના થયા જેમને કોઇને કોઇ રોગ પહેલાથી જ હતો. અમદાવાદના મોતના વિશ્‍લેષણમાં જાણવા મળ્‍યું કે હાયપર ટેન્‍શન અને ડાયાબીટીઝ મોતના સૌથી મોટા કારણ હતા. હાયપર ટેન્‍શનવાળા દર્દીઓ ૪૭ ટકા અને ડાયાબીટીઝવાળા ૩૩ ટકા હતા, ત્‍યાર પછી કેન્‍સર, કીડનીના રોગ અને હૃદયરોગના દર્દીઓ હતા.
અમદાવાદ હોસ્‍પીટલ એન્‍ડ નર્સીંગ હોમ્‍સ એસોસીએશનના પ્રમુખ ડોકટર ભરત ગઢવીએ કહ્યું કે છેલ્લા પંદર દિવસમાં શહેરમાં ખાનગી હોસ્‍પીટલમાં કોરોના દર્દીઓનું દાખલ થવાનું અને મોતનું પ્રમાણ વધ્‍યું છે.

 

(11:47 am IST)