Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

SGVP સંસ્થા દ્વારા દીકરીઓને જે સહાય અપાઈ રહી છે એ દાન નથી પરંતુ ગૌરી પૂજન છે. ------------------શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામી

મેમનગર ગુરુકુલ ખાતે ચાલતા 46મા જ્ઞાનસત્ર પ્રસંગે ગૌરીપૂજનમાં

 

 બહેનોને શૈક્ષણિક સહાય કરવામાં આવી

અમદાવાદ તા. ૧ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે ૪૬મો જ્ઞાનસત્ર ચાલી રહ્યો છે. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીના વ્યાસાસને તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રીમદ્ સત્સંગિજીવનની કથાનું રસપાન થઈ રહ્યું છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, અમદાવાદ દ્વારા અનેક સેવાના પ્રકલ્પો ચાલી રહ્યા છે, જેમાં ગૌરીપૂજનનું અનોખું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

છેલ્લા ઘણાં વર્ષોથી, નબળી આર્થિક પરિસ્થિતિને કારણે  દીકરીઓનો અભ્યાસ ન અટકે એવા હેતુથી ૧૦૮ દીકરીઓને વિદ્યાસહાય અર્પણ કરવામાં આવે છે.

જ્ઞાનસત્ર પ્રસંગે તારીખ ૩૧ જુલાઈના રોજ સોમનાથ સંસ્કૃત યુનિ.વેરાવળ, ગાંધીઆશ્રમ, અમદાવાદ, તક્ષશિલા ધંધુકા ખાતે એન્જીનીયરીંગ, મેડીકલ, એમ.બી.એ, સી.એ. વગેરે ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ કરતી ૧૦૮ દીકરીઓને વિદ્યાસહાય અર્પણ કરવામાં આવી હતી.  બહેનોને સાંખ્યયોગી બહેનો તથા આર.ડી. વરસાણી, એપ્કો બિલ્ડર્સ નાઇરોબી, દ્વારિકાદાસભાઇ કસવાલા, ગુણવંતભાઇ સોજીત્રા વગેરેના  હસ્તે શૈક્ષણિક સહાય રુપે ચેક અર્પણ કરવામાં આવેલ. 

આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, આજે સંસ્થા દ્વારા દીકરીઓને જે અપાઈ રહ્યું છે એ દાન નથી, પરંતુ ગૌરીપૂજન છે. ધાર્મિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓનું કર્તવ્ય છે કે જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચવું અને કોઈ ઉપકારની ભાવના રહીત મદદ કરવી. સંસ્થા વર્ષોથી આ પરંપરા જાળવી રહી છે, કારણ કે આજે દીકરીઓને ભણાવવી ખૂબ જરૃરી છે. દીકરીઓ ભણવામાં આગળ વધે, પરિવાર અને દેશનું નામ રોશન કરે એવી શુભ ભાવનાથી આ ગૌરીપૂજન યોજવામાં આવેલ છે.                                                                     ------કનુભગત

(1:54 pm IST)