Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

તલાટીઓની હડતાલ નિવારવા સાંજે સરકાર સાથે બેઠક થવાની શકયતા

તલાટીઓની માંગણીઓ અંગે સબંધિત વિભાગો સાથે પ્રક્રિયાઃ બ્રિજેશ મેરજા

રાજકોટ તા. ૧ :.. રાજયના પંચાયતના તલાટીઓએ પોતાના પડતર પ્રશ્નો અંગે કાલે તા. ર ઓગસ્‍ટથી અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરવાનું એલાન કર્યુ છે. સંગઠનના હોદેદારોને ચર્ચા માટે સરકાર આજે બપોર પછી બોલાવે તેવી શકયતા છે. અગાઉ રજુ થયેલા પ્રશ્નોની પ્રગતિ અને બાકીનાની કાર્યવાહી માટે ઉચ્‍ચ અધિકારી કક્ષાએ બેઠક થઇ શકે છે.

સર્કલ ઇન્‍સ્‍પેકટરની જગ્‍યાને વિસ્‍તરણ અધિકારી તરીકે અપગ્રેડ કરાતા મળવાપાત્ર ઉચ્‍ચતર પગાર ધોરણ મંજૂર કરવા પ્રથમ ઉચ્‍ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા રદ કરવા, મહેસુલી તલાટી સંવર્ગને પંચાયત તલાટી સંવર્ગમાં વિલિની કરવા, તલાટી મંત્રીઓને પંચાયત સિવાઇની કામગીરી ન સોંપવા વગેરે બાબતે પંચાયત વિભાગ દ્વારા સબંધિત અન્‍ય વિભાગો સાથે વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે.

દરમિયાન હડતાલના એલાન સંદર્ભે પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાને પૂછતા તેમણે જણાવેલ કે તલાટી સંગઠનની માંગણી સંદર્ભે વહીવટી કામગીરી પ્રગતિમાં છે. માંગણીઓ પરત્‍વે સરકારનું મન ખૂલ્લું છે. યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવશે.

(3:32 pm IST)