Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગુજરાતનું એક માત્ર એવું મંદિર કે જ્‍યાં સાત શિવલિંગ સ્‍વયંભૂ છે !

કપિલમુનિએ તપ કર્યું ત્‍યાં તરણેશ્વરનું અપભ્રંશ થઇ તવરા નામ પડયું : નર્મદા સ્‍નાન કરી સપ્‍ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્‍તિનો મહિમા

ઝાડેશ્વર તા. ૧ : નર્મદા પૂરાણમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે. શાષ્ત્રો માં કપિલમુનિને શિવ સ્‍વરૂપ દર્શાવવામાં આવ્‍યા છે. એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્‍થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્‍યા હતા જ્‍યાં તેઓ બલિરાજાને ત્‍યાં રોકાયા હતા ત્‍યારબાદ તેઓ તવરા ગમે ગયા હતા. જ્‍યાં તેમને તપ કર્યું હતું અહીં તેમને કપિલેશ્વર મહાદેવની સ્‍થાપના કરી સપ્‍ત શિવલિંગનું સ્‍થાપન કર્યું હતું. જેમાં (૧) શ્રી કપિલેશ્વર મહાદેવ (ર) શ્રી કોટેશ્વર મહાદેવ (૩) શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ (૪) શ્રી વિઘ્‍નેશ્વર મહાદેવ (પ) શ્રી મહાકાલેશ્વર મહાદેવ (૬) શ્રી ગુપ્‍તેશ્વર મહાદેવ અને (૭) શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્‍નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્‍ત થવા સાથે મોક્ષ મળતો હોવાની માન્‍યતા છે. અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુકત થતા ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે.

રેવા પુરાણમાં દર્શાવ્‍યા મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું. બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્‍થાપના કરી હતી. જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે ચઢાઇ કરી હતી. ઔરંગઝેબેના સૈન્‍યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબનું સૈન્‍ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્‍ફળ રહ્યું હતું. આ તવરા ગામમાં મહાદેવ મંદિરે શ્રાવણ અને શિવરાત્રીના દિવસે હજારોની સંખ્‍યામાં શિવભક્‍તો ઉમટી પડે છે.

(3:38 pm IST)