Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

શિવજીને સોમવાર વિશેષ પ્રિય હોવાથી શ્રાવણ મહિનામાં આ વારનું વિશેષ મહત્‍વઃ વ્રતમાં પણ સોમવારે ઉપવાસ-એકટાણા કરવાની લોકવાયકા

ભગવાન શિવની પુજા-આરાધના કરીને આશિર્વાદ લેતા ભાવિકો

અમદાવાદઃ શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. એમાંય સોમવાર એ મહાદેવનો સૌથી પ્રિય દિવસ છે ત્યારે આ દિવસે શિવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ શિવાલયો હરહર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યાં છે. શહેરના તમામ શિવમંદિરોમાં હાલ ભોળાનાથને રિઝવવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.

ધર્મ અને આસ્થા ભારતીય સંસ્કૃતિના પાયા છે. ભારતમાં ઉજવાતા દરેક તહેવારોની પાછળ કંઈક ને કંઈક દંતકથા રહેલી હોય છે. પવિત્ર મહિનાઓમાંના એક શ્રાવણ મહિનાનું અને તેમાં પણ ખાસ કરીને સોમવારનું વિશેષ મહાત્મય હોય છે. લોકવાયકા મુજબ ભગવાન શિવને સોમવાર વિશેષ પ્રિય હોય છે. શ્રાવણ મહિના દરમિયાન આવતા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. બિલિપત્ર, દૂધ-જળથી ભોળાનાથનો અભિષેક કરીને તેમની કૃપા મેળવવામાં આવે છે. કહેવાય છે તમારાથી આખો શ્રાવણ માસ પાળી ન શકાય તો શ્રાવણના સોમવાર કરવાથી આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે.

શ્રાવણ માસમાં સોમવારનું અન્ય બીજી રીતે પણ ખૂબ જ મહત્વ છે. સોમવારના દિવસે ઘણા વ્રતો મનાવવામાં આવે છે. કહેવાય છે કે, માતા પાર્વતીએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે 16 સોમવારનું વ્રત કર્યુ હતું. આજે પણ ઘણી કુંવારિકાઓ મનગમતો વર મેળવવા માટે 16 સોમવારના વ્રત કરે છે. શ્રાવણના પ્રથમ સોમવારથી આવનાર સતત સોળ સોમવાર સુધી ચાલતું આ વ્રત કરવાથી તમામ ઇચ્છાઓ પૂરી થતી હોવાનું પણ મનાય છે.

શ્રાવણ મહિના દરમિયાન સોમવારનું વ્રત કરનારે ત્રણ, પાંચ કે સાત એમ એકી સંખ્યામાં મહાદેવને બીલીપત્ર ચડાવવામાં આવે છે. આમ ભક્તો ક્રમબદ્ધ સાકરિયો સોમવાર, ભાખરીયો સોમવાર, ઉભો સોમવાર, મૌન સોમવાર, સોમવતી અમાસ કરીને ભગવાન શિવની પૂજા-આરાધના કરીને તેમના આશિષ મેળવે છે.

(4:31 pm IST)