Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કપડવંજના વોર્ડ-6માં સોસાયટી વિસ્તારમાં વ્યાપક ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

કપડવંજ : કપડવંજ શહેરમાં વોર્ડ નંબર ૬માં ડાકોર રોડ ઉપર આવેલી શિવમ પાર્ક સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર-પાંચ વર્ષથી સતત ગટરના પાણી વહી રહ્યા છે. પાલિકામાં વારંવાર લેખિત તથા મૌખિક ફરિયાદ કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલ નથી. 

આથી શિવમ પાર્ક સોસાયટી, રણછોડ નગર સોસાયટી તથા નંદનવન સોસાયટીના રહીશો આ ગટરના પાણીથી ખૂબ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળો ફાટી નિકળવાની  શક્યતા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, આમ છતાં આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેથી સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂકી રહ્યો છે. છેલ્લા દસ વરસથી શિવમ પાર્ક સોસાયટી તથા ડાકોર રોડને જોડતા રસ્તા તથા ગટર લાઈન અંગે ઘણા બધા રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ સમસ્યાનો નિકાલ આવેલ નથી. રસ્તા પરથી શાળામાં જતા વિદ્યાર્થીઓને ખૂબ જ અવરજવર રહે છે. તથા સાંઈબાબાના મંદિરે આવતા દર્શનાર્થીઓને પણ ખુબ જ તકલીફ પડે છે તો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ આવે તે માટે નગરપાલિકામાં રજૂઆત કરવા શિવમ પાર્ક સોસાયટીના રહીશોએ રજુઆત કરી છે. 

(4:55 pm IST)