Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પેટલાદ તાલુકાના ડેમોલ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો

આણંદ : પેટલાદ તાલુકાના ડેમોલ ગામના એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કરતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે મહેળાવ પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદના ડેમોલ ગામે રહેતા નિર્મલકુમાર જયેશભાઈ પટેલ ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ગત માર્ચ માસમાં નાણાની જરૂરિયાત ઉભી થતા તેઓએ તુષારભાઈ રાવજીભાઈ ભોઈ પાસેથી ઉછીના રૂા. ત્રણ લાખ લીધા હતા. જે-તે સમયે વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો નહતો પરંતુ પંદર દિવસ બાદ તુષારભાઈ ભોઈ અને નડિયાદના સંજયભાઈ નાગજીભાઈ બારોટ તેઓની ફેક્ટરીએ આવ્યા હતા અને પંદર દિવસનું રૂા.૧૫ હજાર વ્યાજ માંગતા નિર્મલકુમારે તે ચૂકવી આપ્યું હતું. ત્યારબાદ આજદિન સુધી રૂા.૩ લાખની સામે તેઓએ ૭ થી ૮ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હોવા છતાં વધુ પૈસાની માંગણી કરી નડિયાદ ખાતે લઈ જઈ બંને શખ્સોએ રૂા.૧૦-૧૦ લાખ માંગીએ છીએ તેમજ અન્ય એક વ્યક્તિએ રૂા.૧.૫૦ લાખ માગે છે તેવી નોટરી કરાવી લીધી હતી અને નિર્મલ ગૃહઉદ્યોગ તેમજ નિર્મલકુમારની પત્નીના ચેક ઉપર સહીઓ કરાવી લઈ લીધા હતા. બાદમાં બેંકમાં ચિરાગ નામના વ્યક્તિના મારફતે રૂા.૨.૨૮ લાખની લોન પડાવી તે રૂપિયા પણ વ્યાજપેટે બંને શખ્સોએ લઈ લીધા હતા. ગત તા.૧૮મીના રોજ નિર્મલકુમારને ડેમોલની નહેર ખાતે બોલાવી મોબાઈલ લઈ આપવા માટે દબાણ કરતા નિર્મલકુમાર પત્ની સાથે નડિયાદની મોબાઈલની દુકાને ગયા હતા. જ્યાં લોન ના પડતા પરત ફર્યા હતા. અવારનવારની નાણાંની ઉઘરાણીથી કંટાળી ગયેલા નિર્મલકુમારે પોતાની ફેક્ટરી ખાતે જઈ મોબાઈલમાં સુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જો કે તેઓના કાકા તેમજ અન્ય પરિવારજન ત્યાં આવી પહોંચતા નિર્મલકુમારને બચાવાયા હતા અને તેઓને સારવાર અર્થે ચાંગાની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા.  ભાનમાં આવ્યા બાદ હોસ્પિટલમાં રજા મેળવ્યા બાદ ગતરોજ નિર્મલકુમારે મહેળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તુષારભાઈ રાવજીભાઈ ભોઈ (રહે.ડેમોલ), સંજય નાગજીભાઈ બારોટ (રહે.નડિયાદ) તથા અન્ય ચિરાગ નામના શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:56 pm IST)