Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મહેસાણાના 4 યુવાનોને અમેરિકા પહોંચાડવા માટે એજન્ટે વ્યક્તિ દીઠ 21 લાખ પડાવ્યા: GIDCમાં બનાવ્યો પ્લાન!

IELTS પરીક્ષામાં સેટિંગ કરી 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણ ખોરી કરતા અમેરિકા પોલીસે ચાર યુવકોને ઝડપી પાડ્યા

મહેસાણા જિલ્લાના લોકોને વિદેશમાં જવાની ઘેલસા મોંઘી પડી રહી છે.મહેસાણાના 4 યુવકોને અમેરિકા જવું મોંઘું પડી ગયું છે. IELTS પરીક્ષામાં સેટિંગ કરી 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણ ખોરી કરતા અમેરિકા પોલીસે ચાર યુવકોને ઝડપી પાડ્યા હતા. કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ચાર ભારતીયોની કેનેડા-યુએસ બોર્ડર પર ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેઓ IELTSમાં 8 બેન્ડ છતાં ઇંગ્લિશ ન બોલી શકતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યો છે. ગુજરાત પોલીસના સૂત્રોનું માનીએ તો, જુલાઈમાં ઉત્તર ગુજરાતના સાત યુવકો અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશતી વેળાએ અમેરિકન ઈમિગ્રેશન અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા.આ મામલે  મુંબઇ એમ્બેસીએ મહેસાણા SPને તપાસ માટે જાણ કરતા IELTS કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની GIDCમાં આ 4 યુવાનોને અમેરિકા પહોંચાડવાના ખેલ ઘડાયો હતો. એજન્ટે યુવાન દીઠ રૂ. 21 લાખ લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવસારીના સેન્ટરમાં પરીક્ષા અપાવીને IELTSમાં 8 બેન્ડ મેળવી મહેસાણાના 4 યુવાનોને અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના માંકણજના ધ્રુવ રસિકભાઈ પટેલ, ધામણવાના નીલ અલ્પેશકુમાર પટેલ, જોટાણાના ઉર્વીશ શૈલેષભાઈ પટેલ અને સાંગણપુરના સાવન રાજેન્દ્રકુમાર પટેલ સામે તપાસ હાથ ધરાઇ છે.આ ચાર લોકો ભારતથી કેનેડા અને ત્યાંથી અમેરિકા જવા માટે ગેરકાયદેસર રીતે સેન્ટ રેઝીસ નામની નદીમાં નાવ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે  પાણીમાં ડૂબતી હોઇ અમેરિકાએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા.

નોંધનીય છે કે અમેરિકાની લોકલ પોલીસ તેઓને બચાવી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય યુવકોને અંગ્રેજીમાં સવાલ જવાબ કરતા યુવકોને પરસેવો વળી ગયો હતો. બાદમાં ટ્રાન્સલેટરને બોલાવી યુવકોને સવાલ જવાબ કરાવ્યા હતા જેથી સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.ત્યારબાદ અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખીને મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેના બાદ મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા SOGને તપાસ સોંપી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર  તપાસ દરમિયાન એજન્ટ ચેતન પટેલ અને જીગર પટેલનુ નામ સામે આવ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી મહેસાણા GIDCમાં પ્લોટ ન. 222 નીલમ સીરામીકની ઓફિસમાં બેસી આ કામ કરે છે.આ કેસમાં પોલીસ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, એજન્ટ એક વ્યક્તિ દીઠ રૂ. 21 લાખ રૂપિયા ફાઇલ રજીસ્ટ્રેશન કરાવવાના લેતા જેમાં કોલેજ ફી, ટીકીટ ફી બધું આવી જતું. આ કેસમાં મહેસાણાના બે એજન્ટ સાથે ગાંધીનગરના અમિત ચૌધરી નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે. એસોજીની પૂછપરછ દરમિયાન અમિત ચૌધરીને છોડાવવા મંત્રી દ્વારા ભલામણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

(9:50 pm IST)