Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

બારડોલીમાં તસ્કરોના તરખાટ:સોસાયટીના રહીશો જ રક્ષક બની કરી રહ્યા છે ચોકીદારી

સોસાયટીના રહીશો રાત્રી દરમિયાન હાથમાં લાકડી પાઇપ તેમજ સ્વરક્ષા માટે અન્ય સાધનો લઈ પોતાના પતિવાર તેમજ સોસાયટીની સુરક્ષા કરવા મજબુર થયા

બારડોલી નગરમાં તસ્કરોના તરખાટ વચ્ચે લોકોમાં ભારે ભય અને અસુરક્ષિતતાનો માહોલ જોવા મળ્યો છે. એક તરફ પોલીસ તંત્ર દ્વારા ચોરોને પકડવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રેલવે ટ્રેક અને ખેતરાડી વિસ્તારની નજીક આવેલી સોસાયટીઓમાં તસ્કરો દરરોજ રાત્રે ત્રાટકી ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે 15 થી વધુ સોસાયટીના રહીશો પોતે જ પોતાના રક્ષક બની રાત્રી દરમિયાન હાથમાં લાકડી પાઇપ તેમજ સ્વરક્ષા માટે અન્ય સાધનો લઈ પોતાના પતિવાર તેમજ સોસાયટીની સુરક્ષા કરવા મજબુર થયા છે.

તસ્કરોને જાણે પોલીસનો ભયજ ન રહ્યો હોય તેમ નગરમાં દર બીજે દિવસે તસ્કરો અલગ અલગ સોસાયટીઓમાં ત્રાટકી બારડોલીને ધમરોળી રહ્યા છે. છેલ્લા 1 મહિનાથી લગાતાર તસ્કરો ત્રાટકવાની બુમરાત વચ્ચે નગરજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે પોલીસ તંત્ર માટે માથાનો દુખાવો બની ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે જિલ્લાની તમામ એજન્સીનો પોલીસ સ્ટાફ રાત્રી દરમિયાન બારડોલીમાં ફરજ બજાવે છે.

નગરના તમામ પ્રવેશ દ્વાર, અને મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સતત રાત્રી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં રેલવે ટ્રેક નજીક અને ખેતરાડી વિસ્તારની નજીક આવેલી સોસાયટીઓને તસ્કરો નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે. ગત અઠવાડિયાથી શાસ્ત્રીરોડનાં છેવાડાને અડીને આવેલી સોસાયટીઓમાં તસ્કરો પેઢે પડ્યા છે. ત્યારે પોલીસ તો પોલીસ સોસાયટીના રહીશો પણ રાત્રી દરમિયાન જાગી ફેરી ફરી રહ્યા છે. પોતે જ પોતાના રક્ષક બની દરેક સોસાયટીના રહીશો હાથમાં લાકડી, બેટરી, લોખંડનાં પાઇપ સહિતનો સ્વરક્ષાનો સામાન સાથે રાખી રાત્રીના 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જાગી પરિવાર તેમજ સોસાયટીની સુરક્ષા કરી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી તસ્કરો ત્રાટકવાના ઘટનાક્રમ મુજબ શાસ્ત્રી રોડના છેવાડે અને રેલવે ટ્રેક નજીક આવેલી ઊર્મિ પાર્ક, ક્રિષ્ના પાર્ક, તુલસી પાર્ક, લતા કુંજ, સંદીપ પાર્ક, શ્રી પતિ વીલા, રાધા બાગ, શ્રી સાઈ વાટીકા, સરદાર એન્કલું, વ્રજભૂમિ અને સનસીટી સોસાયટીમાં રહેતા રહીશો આજે તસ્કરોનાં ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. અને તમામ સોસાયટીના રહીશોએ આખી રાત જાગવાની નોબત પણ આવી છે

(10:46 pm IST)