Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અમદાવાદમાં વધુ બે ઇંચ વરસાદ : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની 24 સ્થળોએ ફરિયાદ નોંધાઈ :10 જગ્યાએ ઝાડ ધરાશાયી

વાસણા બેરેજનું લેવલ 127.50 પર પહોંચ્યું: મીઠાખળી અન્ડરપાસ બંધ કરાયો

અમદાવાદ: શહેરમાં આજે સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.  જેના કારણે નીચાણવાળાં વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. તેમાંય 24 સ્થળોએ વરસાદનું પાણી ભરાઇ ગયું હોવાની ફરિયાદો કંટ્રોલરૂમમાં થઇ હતી. જયારે 10 સ્થળોએ ઝાડ પડી ગયા હતા. જેના કારણે રસ્તા ચક્કાજામ થઇ ગયા હતા. જયારે 1 મકાન ભયજનક સ્થિતિમાં હોવાની ફરિયાદ પણ કંટ્રોલરૂમને મળી હતી. બે સ્થળોએ બ્રેકડાઉન થયું હતું.

બીજી તરફ આજે સાંજે 6 વાગ્યે કલાકે વાસણા બેરેજનું લેવલ 127.50 પર પહોંચ્યું હતું. નદીમાં પાણીની આવક 140 ( સંત સરોવર પ્લસ 50 ધરોઇ કયુસેક તથા નર્મદા કેનાલની આવક 5280 કયુસેક તથા નદીમાં પાણીની જાવક 5118 કયુસેક છે. વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભારે વરસાદના કારણે સાવચેતીના પગલાંરૂપે મીઠાખળી અન્ડરપાસ બંધ કર્યો હતો. જે સફાઇ કરીને હાલમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હોવાનું કોર્પોરેશનના કંટ્રોલ રુમે જણાવ્યું છે.

અમદાવાદ શહેરમાં આજે બપોરે 1થી 6 દરમિયાન પડેલા વરસાદમાં સૈથી વધુ સરખેજમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જયારે ચકુડીયા, પાલડી, વિરાટનગર, દાણાપીઠ વિસ્તારમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આ ઉપરાંત ઓઢવ, ઉસ્માનપુરા, નરોડા તથા બોડકદેવ, મેમ્કો અને મણિનગરમાં દોઢેક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

કયા ઝોનમાં કેટલો વરસાદ પડયો

ઝોનનું નામ 26 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો

પૂર્વ 61.34 મી.મી.

પશ્ચિમ 46.79 મી.મી.

ઉત્તર પશ્ચિમ 53.25 મી.મી.

દક્ષિણ પશ્ચિમ 106.25 મી.મી.

મધ્ય ઝોન 49.00 મી.મી.

ઉત્તર ઝોન 46.33 મી.મી.

દક્ષિણ ઝોન 37.00 મી.મી.

સરેરાશ વરસાદ 57.17 મી.મી.

(12:36 am IST)