Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

હવે માંદા પડવાનું પણ મોંઘુ

અમદાવાદઃ કન્સલ્ટન્ટ જનરલ પ્રેકિટશનર ડોકટરોની ફીમાં રૂ.૧૫૦થી ૨૦૦નો વધારો ઝીંકાયો

અમદાવાદ, તા.૧: અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે ભારે વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યૂ અને તાવ-ઉધરસના કેસોમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. શહેરના તમામ નાના-મોટા દવાખાના અને કન્સલ્ટન્ટ ડોકટરોના કિલનિક પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના બડા-છોટા તમામ ડોકટરોએ તેમની તપાસ ફીમાં મોટો વધારો કરી દીધો છે એ કયાંક ૫૦ ટકા તો કયાંક ૭૦ ટકા તો કયાંક ૭૫ ટકા જેટલો જોવા મળી રહ્યો છે પરિણામે કોરોના કાળમાં ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો ત્રાહિમામ્ પોકારી ગયા છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈના મધ્યભાગ સુધી બડા ડોકટરોના કન્સલ્ટન્ટ કિલનિક અને છોટા ડોકટર કહો કે, જનરલ પ્રેકિટશનરોના પણ દવાખાના લગભગ બંધ રહ્યા હતા, જેને કારણે તમામ ડોકટરોની પ્રેકિટસ પર ભારે ફટકો પડયો હતો પરંતુ લોકડાઉન ખૂલતા તેમની તપાસ ફીમાં એકાએક વધારો ઝીંકવાનો પ્રારંભ કરી દીધો હતો. શહેરના જાણીતા તમામ કન્સલ્ટ ડોકટરો કે, જેઓ કોરોના પહેલા કન્સલ્ટ ફી તરીકે રૂ. ૫૦૦ લેતા હતા તેમણે રૂ. ૬૦૦થી ૬૫૦, તથા રૂ. ૬૦૦ લેતા હતા તેમણે રૂ. ૭૫૦થી ૮૦૦ કે રૂ.૭૦૦ લેતા હતા. તેમણે સીધા રૂ. ૯૦૦ લેવાનો દોર ચાલુ કર્યો છે.(૨૩.૪)

 

(9:58 am IST)