Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અમદાવાદમાં કોરોનાની ફરી એન્ટ્રી : ખાનગી કંપનીની લેબર કંપનીમાં ૧૦૯ને કોરોના : ખળભળાટ

છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪૭ કેસ, ૩ના મોતઃ મણિનગરમાં એકજ દિવસમાં પાંચ હજાર રેપિડ ટેસ્ટમાં ૪૦ પોઝિટીવ કેસ : જિલ્લામાં ૨૬ કેસ

અમદાવાદ,તા.૧ : જીએમડીસી ગ્રાઉન્ડ નજીક આવેલી એક ખાનગી કંપનીની લેબર કોલોનીના ૧૦૯ કર્મચારીઓ એકસાથે પોઝિટિવ આવ્યા છે અને તેમને સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. ૩ દિવસમાં તબક્કાવાર ટેસ્ટમાં આ પરિણામ મળ્યું હતું. આ કર્મચારીઓ એક મહિના પહેલાં જ અન્ય રાજયમાંથી અહીં આવ્યા હતા. બીજી તરફ નહેરૂબ્રિજ અને કેશવબાગ વાડી પાસેના આસોપાલવ સાડી સેન્ટરમાં તપાસ કરાતાં ૯ કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ટેસ્ટિંગની નવી સ્ટ્રેટેજી શરૂ કરી છે જેના ભાગરૂપે મણિનગર વોર્ડમાં ૫ હજારથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૪૦ જેટલા લોકો પોઝિટિવ મળ્યા છે. આજે શાહીબાગ વોર્ડમાં આ જ રીતે માસ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ પ્રકારે તમામ ૪૮ વોર્ડમાં ટેસ્ટની કામગીરી કરાશે.  ગઇકાલે કોરોનાના નવા ૧૪૭ કેસ નોંધાયા હતા. જયારે ૩ દર્દીના મૃત્યુ થયા હતા. કેસની સમીક્ષા પછી વધુ ૨૭ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લામાં ૨૬ કેસ

અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવના ૨૬ કેસ નોંધાયા હતા. બાવળા ૬, દસ્ક્રોઇ ૩, દેત્રોજ ૨, ધંધુકા ૨, ધોળકા ૫, સાણંદ ૬, અને વિરમગામમાં ૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. તાલુકા પ્રમાણે જોઈએ તો બાવળા ૨૦૭, દસ્ક્રોઇ ૨૯૦, દેત્રોજ ૪૧, ધોળકા ૪૨૫, ધંધુકા ૧૩૮, સાણંદ ૪૧૭, અને વીરમગામમાં ૧૯૮ પોઝિટિવ કેસ છે. જિલ્લામાં ૪૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને કોરોનાનાં કેસ ઘટતાં મ્યુનિ.એ ડો. જીવરાજ મહેતા હોસ્પિટલને કોરોનાના દર્દીની સારવારમાંથી મુકિત આપતાં હવે કોરોના સિવાયના અન્ય દર્દી માટે કાર્યરત કરાઇ છે. ડો. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન બકેરી મેડિકલ રિસર્ચ સેન્ટરના માનદ ડાયરેકટર ડો. રમેશ પંચાલે જણાવ્યું કે, મ્યુનિ.ની મુકિત પછી હોસ્પિટલમાં મેડિસીન,ગાયનેકોલોજી, ઇમરજન્સી, ઓર્થોપેડિક જેવી સુપર સ્પેશ્યાલિટી સહિત લેબોરેટરી, ફિજીયોથેરાપી, રેડિયોલોજી અને ડાયાલીસીસ વિભાગ પણ કાર્યરત કરાયો.

(11:35 am IST)