Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભારે વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાતા એસ.ટીના 58 રૂટ બંધ થતા 19.51 લાખનું નુકસાન

દેવભૂમિ દ્વારકાનાં 18 રૂટો, જૂનાગઢના 10 રૂટ, જામનગરમાં 8 રૂટ, દાહોદમાં 8 રૂટ, અમદાવાદનાં 2, ભરૂચનો 1 રૂટ, ભાવનગર-1, બોટાદ-2, કચ્છ-1, રાજકોટ-1 રૂટ બંધ

અમદાવાદઃ રાજ્યમાં ઘણાં દિવસોથી સતત વરસાદ વરસી રહયો છે હાલમાં સૌરાષ્ટ્ર અને નર્મદા કાંઠાના વિસ્તારોમાં  રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાઇ ગયા છે. ત્યારે હાલમાં ગુજરાતમાં અંદાજે 58 જેટલા એસ.ટી બસના રૂટ બંધ કરવામાં આવ્યાં છે. જો કે એસ.ટી વિભાગના રૂટ બંધ કરાતા અંદાજે 19.51 લાખનું નુકસાન થયું છે.

છેલ્લાં કેટલાંય દિવસથી રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ચારે બાજુ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તમામ વ્હીકલોને અવર-જવર કરવામાં પરેશાની થઇ રહી છે. જેથી એસ.ટી વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સતત ભારે વરસાદી માહોલને કારણે એસ.ટી બસમાં મુસાફરી કરતાં લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પડી રહેલા મુશળધાર વરસાદના કારણે દેવભૂમિ દ્વારકાનાં 18 રૂટો બંધ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે જૂનાગઢના 10 રૂટ, જામનગરમાં 8 રૂટ બંધ, દાહોદમાં 8 રૂટ, અમદાવાદનાં 2, ભરૂચનો 1 રૂટ, ભાવનગર-1, બોટાદ-2, કચ્છ-1, રાજકોટ-1, બનાસકાંઠા-1, મહેસાણામાં 1 રૂટની બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાયા હોવાથી કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

જામનગરમાં 13 કલાકમાં 8 ઈંચ વરસાદ પડવાથી શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યાં છે. ભારે વરસાદના પગલે જિલ્લા કલેક્ટરની કચેરી અને તાલુકા પંચાયતની કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. આ સિવાય ગવર્મેન્ટ કોલોની, સાંસદ પૂનમ માડમના મકાન અને જજીસ બંગલો સુધી વરસાદી પાણી ઘૂસી ગયા હતાં.

બીજી તરફ જિલ્લાના 6 તાલુકાઓમાં ગત 24 કલાક દરમિયાન દોઢથી નવ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વસઈ વિસ્તારમાં પડ્યો, જ્યાં 245 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો 42 મિલીમીટર વરસાદ ધ્રોલ પંથકમાં નોંધાયો છે.

જામનગર શહેરની સાથે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘ કહેર જોવા મળ્યો હતો. સ્થિતિ એવી સર્જાઈ છે કે, ખેતરોમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે જગતનો તાત ચિંતિત છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.

(1:21 pm IST)