Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વડોદરામાં પૂરની સ્થિતિ : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ

અનેક ગામ સંપર્ક વિહોણા, સેંકડો લોકોનું સ્થળાંતર : લોકોએ પોતાના ઘરનો સામાન અભેરાઇએ ચડાવી દીધો : વિશ્વામિત્રી નદીની સપાટી ૨૫ ફૂટે પહોંચી, ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર : ૧૫ દિવસમાં બીજી વખત પૂરનું સંકટ : ગંભીર સ્થિતિ

અમદાવાદ તા. ૧ : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનતા વડોદરા શહેરમાં ફરી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી સવારે ૯ વાગ્યે ૨૫ ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રીની ભયજનક સપાટી ૨૬ ફૂટ છે, એટલે કે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની ખુબ જ નજીક પહોંચી ગઇ છે. પૂરની સ્થિતિને પગલે વડોદરાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પોતાનો સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થતાં ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને સ્કૂલો સહિતના આશ્રયસ્થાનોમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વડસર ગામ પાસે આવેલી ભેસાસુરની ડેરી વિસ્તાર પાસે રહેતા ૫૦ જેટલા કાચા મકાનો છે. જેમાંથી ૨૫થી ૩૦ જેટલા મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ૫૦ જેટલા લોકો સલામત સ્થળે ખસી ગયા છે. આ ઉપરાંત કાંસા રેસિડેન્સી અને કોટેશ્વર ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નદી કિનારે રહેતા અને નદી કિનારાની આસપાસમાં આવેલી સોસાયટીના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચતા જ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સાઇરન વગાડી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા પ્રથમ એલર્ટ સાઇરન વગાડવામાં આવતા નદી કિનારાના લોકોએ સામાન સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી દીધી હતી.

વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચતા જ નદી કિનારાના ૫૦૦ જેકલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જલારામ નગર અને મુજમહુડા સુભાષનગરના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીની સપાટીમાં થઇ રહેલા વધારાના પગલે નદી કિનારા પાસે રહેતા ઝૂંપડાવાસીઓ, સોસાયટી અને બંગલોઝમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિને પગલે ઝૂંપડાવાસી અને સિદ્ઘાર્થ બંગલોઝમાં રહેતા લોકો પોતાનો સામાન બચાવવા ભાગ્યા હતા અને જેટલો સામાન બચાવી શકાય તેટલો સામાન ઘરમાં ઉંચાઇ પર ચડાવી દીધો હતો.

(2:45 pm IST)