Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભારતના વિકાસમાં નવી શિક્ષણ નીતિનું અમૂલ્ય યોગદાન

૩૪ વર્ષ બાદ હવે જોવા મળશે આમૂલ પરિવર્તન આર.ટી.ઇ.માં ફેરફાર શિક્ષકોને ખાસ તાલીમ : યુ.જી.સી.ના સ્થાને શિક્ષણ પંચ રચાશે સુધારાના કાયદા વર્ણવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ

ગાંધીનગર : કોઈ પણ દેશના આર્થિક, સામાજીક કે પછી સાંસ્કૃતિક વિકાસના મૂળમાં જે- તે દેશની શિક્ષણ નીતિનું યોગદાન ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારત એ જુદી-જુદી સંસ્કૃતિ અને ભાષાઓનો સમન્વય ધરાવતો દેશ છે. વિવિધતામાં એકતાને ચરીતાર્થ કરવા માટે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિને અમલમાં મૂકવાની માન્યતા આપવામાં આવી છે. જેનાથી દેશની આગામી પેઢીનો પુસ્તકીયા જ્ઞાનને બદલે સર્વાગી વિકાસ થશે. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ગુરૂકૂળ પધ્ધતિથી લઈને આજની આધુનિક શિક્ષણ નીતિમાં સતત બદલાવ જોવા મળ્યા છે. આઝાદી પછી વર્ષ- ૧૯૬૮, ૧૯૮૬/૯૨ અને આ વર્ષે ૨૦૨૦માં નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા લિલિ ઝંડી મળતાં આગામી ટૂંકાગાળામાં હાલની શિક્ષણ પધ્ધતિ તદ્દન નવા સ્વરૂપમાં જોવા મળશે. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ માટે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારે સમીક્ષા કરવામાં આવી છે. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અધ્યક્ષ શ્રી કે. કસ્તુરીરંગનની વડપણ હેઠળ સમીક્ષા સમીતી દ્વારા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં લાવવા માટે છેલ્લા ૩૪ વર્ષમાં પ્રથમ વખત યોગ્ય પગલાં ભરવામાં આવ્યા છે.

જેમાં દેશભરમાંથી અલગ અલગ રાજ્યોના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અનેક તજજ્ઞો દ્વારા અંદાજીત ૨.૨૫ લાખ મંતવ્યો માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને મળ્યા હતા. નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ એ આગામી પેઢીના ઉન્નત ભવિષ્ય માટેની નવી શરૂઆત છે. દેશમાં બાળ વિકાસથી લઈને ઉચ્ચતર શિક્ષણ અને રિસર્ચ સુધીના અભ્યાસક્રમો માટે આ શિક્ષણ નીતિથી આમૂલ પરિવર્તન આવશે. નવી શિક્ષણ નીતિમાં માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે.

અંદાજિત ૩૦૦થી પણ વધારે પાનાનો ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે છ મુદ્દા જેવા કે, સ્કૂલ એજયુકેશન, ભાષા, ઉચ્ચતર શિક્ષણ, ટેકનોલોજી, ફાઈનાન્સ અને આ તમામ બાબતોનું અમલીકરણના મહત્વના મુદ્દાને સાંકળી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી શાળાકીય શિક્ષણ બાબતે દેશમાં ૧૦૪૨ પદ્ઘતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. હવે ૫+૩+૩+૪ની પદ્ઘતિનું નવી શિક્ષણ નીતિમાં અમલીકરણ કરાશે. દેશમાં શાળાકીય શિક્ષણને ફાઉન્ડેશન સ્ટેજથી લઈને સેકન્ડરી એજયુકેશન સુધી ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેના પ્રથમ સ્ટેજમાં પાંચ વર્ષનો સમયગાળી રાખવામાં આવ્યો છે. પ્રથમ ૩ વર્ષ પ્રિ-પ્રાઈમરી એટલે કે આંગણવાડી માટે નક્કી કરવામાં આવ્યા છે. બાળ વિકાસને પ્રાધાન્ય આપીને શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા બાળકોને રમત-ગમત કરીને કેવી રીતે માનસીક વિકાસ કરવો તો બાબતે શિક્ષણ આપવામાં આવશે. ત્યાર પછીના બે વર્ષ ધોરણ ૧ અને ૨માં બાળકને પ્રવેશ અપાશે. ફાઉન્ડેશન સ્ટેજના પ્રથમ ત્રણ વર્ષમાં બાળ વિકાસની સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા 'અર્લી ચાઈલ્ડ હૂડ કેર એન્ડ એજયુકેશન' માટે ત્રણ વર્ષ ફાળવવામાં આવ્યા છે. જેના માટે આંગણવાડી કાર્યકર્તાઓ જો સક્ષમ ના હોય તો, ધોરણ ૧૨ પાસ કરેલ કાર્યકર્તાઓને ૬ મહિનાનો સર્ટીફીકેટ કોર્સ અને ધોરણ ૧૨ પાસ નથી, તેવી તમામ આંગડવાડી કાર્યકતા બહેનોને ૧ વર્ષ માટે ડિપ્લોમા કોર્સ ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. જેના કારણે બાળ વિકાસ સંબધિત કોઈપણ પ્રકારે અન્યાય ના થાય. બાળ શિક્ષણમાં પ્રી-પ્રાઇમરી એજયુકેશન ખૂબ જ મહત્વ ધરાવે છે. જો બાળકનો પાયો મજબૂત હશે તો, આગામી દિવસમાં તે શિક્ષણરૂપી ઉત્તમ ઇમારત રચી શકશે. જે દેશના વિકાસમાં ખૂબ જ સહયોગી થશે. કેન્દ્ર સરકાર દ્વારા 'રાઇટ ટુ એજયુકેશન'(આરટીઈ)માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારાના કારણે આગામી દિવસમાં દેશના દરેક સ્તરના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો હક મળશે તથા સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે.

બંધારણ સંબંધિત કેટલાક મહત્વના મુદ્દાઓ પર આગામી સમયમાં સંસદ દ્વારા પણ સંશોધન બિલ પસાર કરીને આરટીઈ અને શિક્ષણ બાબતેના અધિકારોમાં વિદ્યાથીઓના હિતલક્ષી સુધારા કરવામાં આવશે. સ્ટેજ ત્રણ વર્ષનો હશે. જેમાં ધોરણ ૩ થી ૫ સુધી ત્રણ વર્ષેના મોડેલ પર અભ્યાસ કરવામાં આવશે. જયારે મીડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ પર અનુક્રમે ૩ વર્ષે માટે ધોરણ ૬ થી ૮ અને માધ્યમિક સ્કૂલમાં ૪ વર્ષ માટે, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. નવી શિક્ષણનીતિનો એક મહત્વનો સરાહનીય નિર્ણય એ છે કે, સેકન્ડરી સ્ટેજના વિદ્યાર્થીઓ ઉપરાંત વિદ્યાર્થીઓની ટકાવારી કરતા પણ તેમના જ્ઞાન ઉપર વધુ ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થી જો કોઈ વિષયમાં નબળો છે તો, વિદ્યાર્થી દ્વારા એડવાન્સ અને મીડીયમ લેવલના સ્તરની પસંદગી કરીને જે-તે વિષયની પરીક્ષા આપી શકાશે. વિદ્યાર્થી દ્વારા પસંદ થયેલા સ્તર મુજબ જ તેઓની પરીક્ષા લેવાશે. જેનાથી ફેઈલ રેશિયો પણ ઘટશે અને વિદ્યાર્થીને કોઈ એક ક્ષેત્રમાં કારકિદી બનાવી હશે, તો તેમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય મહત્વના વિષયોમાં પણ સરળતાથી પાસ કરીને આગળ વધી શકશે.

નવી શિક્ષણ નીતિના કારણે આગામી દિવસોમાં એન.સી.ઇ.આર.ટીના કોર્સમાં પણ બદલાવ કરવામાં આવશે. આ સમગ્ર પેટર્ન આગામી વર્ષ ૨૦૨૨ના શૈક્ષણિક વર્ષથી લાગુ કરવાનો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણ નીતિના મહત્વના મુદ્દાઓ અને લક્ષ્યને ધ્યાનમાં રાખીએ, તો પ્રાઇમરી લેવલ પર વર્ષ ૨૦૨૫ સુધી ૧૦૦% સાક્ષરતાં લાવવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત ટીચર ટ્રેનીંગ માટે દિક્ષા પોર્ટલને હાઈકવોલિટી ટેકનોલોજીથી સુસજ્જ કરીને ડિજિટલ શિક્ષણ બાબતેના યોગ્ય પ્રકારના નવા રિસોર્સિસ ઉમેરવામાં આવશે. વર્ષ ૨૦૩૫ સુધી દેશભરના તમામ રાજયોના વિદ્યાર્થીઓમાં સ્કૂલ શિક્ષણ બાબતે ગ્રોસ એનરોલર્મેન્ટ રેશિયો વધે તે માટેના નક્કર પગલાં પણ લેવામાં આવશે. પ્રાઈમરી એજયુકેશનનો રેશિયો કંઈક અંશે સકારાત્મક છે, પરંતુ જેમ-જેમ બાળક આગળ વધતું જાય છે, તેમ-તેમ કેટલાક સામાજિક, આર્થિક કે અન્ય કારણોસર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. ધોરણ ૧૧ અને ૧૨માં આ રેશિયો માત્ર ૫૬% જ છે. જયારે હાયર એજયુકેશનમાં ૨૬.૩% છે. એજયુકેશન મંત્રાલય દ્વારા વર્ષે ૨૦૩૫ સુધી હાયર એજયુકેશનમાં પણ સરેરાશ ૫૦% એટલે કે ૨ ગણો વધારો કરવાનો લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં યુનિવર્સિટી અને કોલેજોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. નવી નીતિમાં દરેક જિલ્લા કાં તો, દરેક બે જિલ્લાની વચ્ચે એક યુનિવર્સિટીની રચના કરવાની પણ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેનાથી આંતરિયાળ વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થીઓને દૂર સુધી શિક્ષણ મેળવવા માટે જવું પડશે નહીં અને તેનાથી ડ્રોપ આઉટ રેશિયોમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં તફાવત જોવા મળશે.

ઉચ્ચતર અભ્યાસ માટે ધોરણ-૧૨ પછી દેશની સમગ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે, તે માટે ધ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોમન એન્ટ્રન્સ એકઝામ લેવામાં આવશે. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય તે વિષય સહિત અન્ય એક કોમન એપ્ટીટ્યુડ ટેસ્ટ આપવાનો રહેશે. જેના દ્વારા દેશની તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ પરીક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓની જેમાં સારી ટકાવારી હશે, તે મુજબ જે-તે કોર્સ અને કોલેજમાં સરળતાથી પ્રવેશ મેળવી શકશે. જો કે કેટલાક પ્રોફેશનલ કોર્સિસ જેવા કે મેડિકલ , મેનેજમેન્ટ અને અન્ય કોર્સમાં પહેલાંથી જ આ પ્રકારની પરીક્ષા ધ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવામાં આવતી હોવાથી તેને કાર્યરત રાખવામાં આવશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની જગ્યાએ હવે દેશમાં હાયર એજયુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવશે. જેના અધ્યક્ષ સ્થાને દેશના વડાપ્રધાનની બંધારણીય રીતે જોગવાઈ કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ, લિગલ અને ટેકનિકલ વગેરે જેવી અલગ-અલગ બોડી સમાપ્ત થશે. આવનારા ૧૫ વર્ષમાં તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓને સ્વતંત્ર ચલાવવાની માન્યતા અપાશે. જેથી કરીને આગામી વર્ષોમાં કોઈપણ કોલેજને એફિલેશન લેવાની જરૂર પડશે નહીં. જેના કારણે શિક્ષણનો વ્યાપ પણ વધશે. દેશની યુવા પેઢી અત્યારે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહયોગી થવા માટે અનેક પ્રકારે કાર્યરત છે. તેમના આ પ્રયાસને વેગવંતો બનાવવા અને તેમાં સહાયરૂપ થવાના હેતુથી નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે જેના કારણે યુનિવર્સિટી અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે-સાથે રિસર્ચ સંબંધિત કાર્ય પણ કરી શકે. તે માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ફંડ પુરુ પાડવામાં આવશે. જેનાથી ભારત દેશની ઇકોનોમીમાં પણ આમૂલ પરિવર્તન જણાશે.

૨૧મી સદીનો સમય એટલે કે, ટેકનોલોજી અને યુવા ટેકનોક્રેટનો સમય. આજના આધુનિક શિક્ષણમાં ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીને દેશના દરેક ક્ષેત્રમાં શિક્ષણનું આદાનપ્રદાન થાય, તે હેતુસર નવી શિક્ષણ નીતિ દ્વારા નેશનલ એજયુકેશન ટેકનોલોજીકલ ફોરમ બનાવવામાં આવશે. જેમાં ટીચિંગ , લર્નિંગ, એસેસમેન્ટ એજયુકેશન અને પ્લાનિંગ તથા કેટલાક સમુદાય સંબંધિત ઓપન ઓનલાઇન કોર્સિસ , દિવ્યાંગો માટે ફેન્ડલી એજયુકેશન સોફટવેર અને જુદી-જુદી ભાષાઓમાં સ્પર્ધાઓના કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઈ-કોન્ટેસ્ટ પણ ચલાવવામાં આવશે. રિસર્ચ સંબંધિત કેટલીક બાબતોને ધ્યાનમાં રાખતા વર્ચ્યુઅલ લેબનો પણ પ્રારંભ  કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષામાં પારદર્શકતા લાવવાના હેતુસર ઓનલાઇન પરીક્ષાનું પણ આયોજન આગામી વર્ષોમાં કરવામાં આવશે.

દેશના દરેક ક્ષેત્રમાં આર્થિક બાબતોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કારણકે તેના ખર્ચ સંબંધિત બાબતોને આપણા વાર્ષિક બજેટમાં પણ ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષણ સંબંધિત ખર્ચ બાબતે અત્યાર સુધી આવેલી તમામ શિક્ષણ નીતિમાં દેશની કુલ જી.ડી.પીના ૬% ભાગ શિક્ષણ પર ખર્ચવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. પરંતુ હાલના સમયમાં પણ તે ૪.૪૩% જ છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં આ ટકાવારીમાં વધારો થાય અને કુલ જી.ડી.પી ના ૬% શિક્ષણ પાછળ ખર્ચાય તે બાબતે નક્કર પગલાં લેવામાં આવશે. આ ખર્ચમાં વિદ્યાથીઓના વિકાસ સંબધિત અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણની સાથે-સાથે પોષણક્ષમ આહાર પણ ખૂબ જ જરૂરી છે. જેના માટે મધ્યાન ભોજનનો કાર્યક્રમ વિસ્તૃત કરવામાં આવશે. જેમાં પૌષ્ટિક નાસ્તો અને પોષણક્ષમ ભોજન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ભાષાકીય અને ગણિત જેવા વિષયમાં વિદ્યાર્થીઓને રુચિ વધે તે માટે રાષ્ટ્રિય શિક્ષક પોર્ટલ પર ભાષા અને ગણિતના સંસાધનોનો રાષ્ટ્રીય ભંડાર ઉપલબ્ધ કરવામાં આવશે. વાંચની પ્રવૃતિને વેગ મળે તે હેતુસર, જાહેર અને શાળાના પુસ્તકાલયને વિસ્તૃત કરવામાં આવશે. જેના માટે શાળાકીય સુયોજનના તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પરિવહન તેમજ વિદ્યાર્થીઓની સલામતી બાબતે પણ તમામ પ્રકારના પગલાં ભરવામાં આવશે. સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓને કારણે જે વિદ્યાર્થીઓ શાળામાં આવવા અસમર્થ હોય, તેવા કિસ્સામાં શાળાઓમાં આરોગ્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. દેશનુ કોઈ પણ બાળક શિક્ષણ મેળવવાના હકથી વંચિત ના રહી જાય અને દેશમાં દરેક બાળક માટે સમાન અને વ્યાપક શિક્ષણ પ્રણાલી સ્થપાય. દેશના ચોક્કસ અવિકસીત વિસ્તારોમાં ખાસ શૈક્ષણિક ક્ષેત્રની સ્થાપના કરવાની જોગવાઈ પણ આગામી બજેટમાં સાંકળી લેવામાં આવશે. રાજયોના સામાજિક આર્થિક સૂચકાંકોના આધારે આ ક્ષેત્ર જાહેર કરવા અને તેને પ્રોત્સાહિત કરવાની નાણાકિય સહાય કેન્દ્ર સરકાર પૂરી પાડશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થી અને સમાજ ઘડતરમાં એક વિશિષ્ટ ઉદાહરણ પૂરૂ પાડશે.

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણ મંત્રી,

ગુજરાત રાજ્ય

(2:46 pm IST)