Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અમદાવાદના રામોલમાં બ્‍લેકમેલ કરી 1.26 કરોડ પડાવી લેનારા અગ્રવાલ બંધુઓના ત્રાસથી વૃદ્ધની આત્‍મહત્‍યા : ચકચાર

અમદાવાદઃ રામોલમાં બ્લેકમેઇલ કરી વૃદ્ધ પાસેથી રૂ. 1.26 કરોડની રકમ લઈ પરત ના કરતા અગ્રવાલ બંધુના ત્રાસથી વેપારીએ 15 દિવસ અગાઉ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. વૃદ્ધ વેપારીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવતા પોલીસે આરોપી અગ્રવાલ બંધુઓ વિરૂદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ વેપારીને તેની હત્યા કરાવી નાંખશે તેવી ધમકી આપી હતી. આરોપીઓની પહોંચથી જાણકાર વેપારીએ તેઓ વિરૂદ્ધ ફરિયાદ કરવાની જગ્યાએ જીવનલીલા સંકેલી લેવાનો નિર્ણય લીધો હતો. રામોલ વિસ્તારમાં રહેતાં 68 વર્ષીય નારાયણ શર્માએ ગળા ફાંસો ખાઇ ગત તા. 17 ઓગસ્ટના રોજ પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. રામોલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી પોસ્ટમોર્ટમ કરાવી મૃતકની ડેડબોડી પરિવારને સોંપી હતી.

મૃતક નારાયણ શર્માનો પુત્ર દિલીપ શર્મા પિતાની અંતિમવિધી માટે વતન ઉત્તરપ્રદેશ ગયો હતો. અંતિમવિધી પતાવ્યા બાદ પરત ફરેલા પરિવારજનો ઘરે પરત આવ્યા ત્યારે નારાયણ શર્માએ લખેલી સ્યુસાઇડ નોટ બેડ નીચે કબાટમાંથી મળી આવી હતી.

આ સ્યુસાઇડ નોટના આધારે રામોલ પોલીસે આરોપી વિષ્ણુ રમેશચંદ્ર અગ્રવાલ, રાજકુમાર રમેશચંદ્ર અગ્રવાલ અને તેના પુત્ર મોનેશ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. મૃતક નારાયણ શર્માએ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મેં મરના નહી ચાહતા લેકિન ઇન તીનો કી વઝહ સે મર રહા હું. મેરી મોત કે બાદ ઈન કો એસી સજા દેના કી મુજે મરનેકા ગમ ના રહે. 5 સાલ પહેલે મે અચ્છી જિંદગી જીતા થા લેકીન મેને રાજકુમાર કો વિષ્ણુ કે કહને પર ખાને કો બુલાયા તબ ખાને મેં નશીલી ચીજ મિલાકાર ઇન લોગોને મેરે સાથ ષડ્યંત્ર રચા થા. ફીર મુજે બ્લેકમેઇલ કરકે મેરે સે મેરી 62 સાલ કઈ કમાઈ 1,26,00,000 (1.26) કરોડ રૂપિયા લે લીયા વો વાપીસ નહીં દે રહે થે. યે બાત રાજકુમાર કા જબ 200 કરોડ કા ગફલા પેપર મેં આયા થા તબકી હૈ. રાજકુમાર કે પિતા કો સ્ટર્લિંગ મેં દાખીલ કિયા તબ મેરે સે પૈસા માગે મેને મના કિયા થા. યે લોગ ધમકી દેતે થે હમારે પાસ રૂ.5 હજાર મેં મર્ડર કરે એસે લડકે હૈ રાજકુમાર, વિષ્ણુ મુજે જયપુર સે ગોવર્ધન લે ગયે જહા મેરે પર વીઘી ભી કરવાઈ થી. યે લોગોને મુજકો પરેશાન કર દિયા થા. મેરે મરને કે બાદ મેરે પરિવારકો પરેશાન ના કીયા જાય. મે રાજકુમાર, વિષ્ણુ ઓર મોનેશ કે કારણ મર રહા હું. રાજકુમાર બહુત શાતિર થા વો કભી ફોન પે બાત નહીં કરતા થા. રૂબરૂ મિલતા ઓર દુસરે લોગો કો ભેજતા થા.

રામોલ પોલીસ સમક્ષ પરિવારજનોએ સ્યુસાઇડ નોટ રજૂ કરતા આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્યુસાઇડ નોટ હેન્ડરાઈટિંગ એક્સપર્ટને તપાસ માટે મોકલી આપી છે. બીજી તરફ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(5:21 pm IST)