Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભરૂચમાં ગણેશ ભકતોના ઘર આંગણે જ નર્મદાના પાણી આવતા વિસર્જન સરળ થઈ ગયુ : સુરતમાં વિસર્જન દરમિયાન ગાઈડલાઈનના ધજાગરા ઉડયા

સુરત: આજે ગણેશ વિસર્જનનો દિવસ છે. આવામાં ગુજરાતભરમાં લોકોએ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાંતિથી ગણેશ વિસર્જન કર્યું છે. લોકોએ પોતાના ઘર આંગણે કે સોસાયટીમાં જ ગણેશ વિસર્જન કર્યું છે. તો ગુજરાતમાં અનેક સ્થળોએ નાના કુંડ બનાવવામાં આવયા હતા, જ્યાં લોકોએ ભક્તિભાવથી ગણેશ વિસર્જન કર્યું હતું. કોરોના મહામારીના કારણે લોકો વિસર્જન યાત્રા ના કાઢી શક્યા તેનું ભક્તોને દુઃખ હતું. પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. આવામાં સુરતમાં ગણેશ વિસર્જનમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. 

સુરતમાં ગુંડી શેરી મહિધરપુરામાં આ ઘટના બની હતી. જેમાં સ્થાનિક લોકોએ ગણેશ વિસર્જનમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. લોકોમાં ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. જાહેરમાં લોકોએ ગણેશ વિસર્જન પણ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, પુરુષો ઉમટી પડ્યા હતા. ક્યાંક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા.

તો બીજી તરફ, ભરૂચ જિલ્લામાં અને શહેરના શ્રીજીના વિસર્જન માટે હવે નર્મદા નદી ઘર આંગણે જ હોવાથી ભક્તો ખુશ થયા હતા. ઠેર ઠેર નર્મદા નદીના પુરના પાણી ભરાઈ જતા વિઘ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું હતું. આ વખતે કોરોના કહેરના કારણે સૌથી વધુ માટીના ગણેશ સ્થાપિત કરાયા બાદ આજે વિસર્જન કરાયું હતું.

(5:29 pm IST)