Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરતના ઉન પાટિયા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની બે માસુમ બાળકીઓ રમતા રમતા ફરાર થઇ જતા પોલીસ તંત્ર દોડતું થયું

સુરત: શહેરના ઉન પાટિયા વિસ્તારમાં રહેતા બે પડોશી શ્રમજીવી પરિવારની 4 અને 5 વર્ષીય બે માસુમ રમતા-રમતા કયાંક ચાલી જતા સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઇ ગઇ હતી. પરિવાર અને પોલીસની 6થી 7 કલાકની દોડધામના અંતે બંન્ને બાળા અડધો કિલોમીટરના અંત્તરેથી સહી સલામત મળી આવતા તમામે હાશકારો અનુભવ્યો હતો. પોલીસે બંન્ને માસુમને પોલીસ સ્ટેશનના ચિલ્ડ્રન રૂમમાં બેસાડી રમકડાથી રમાડી ઘરેલું માહોલનો અહેસાસ કરાવ્યો હતો.
ઉધના-નવસારી રોડ સ્થિત ઉન પાટિયા ભીંડી બજારના હૈદરી નગરમાં ઇન્તેજારભાઇની ચાલમાં ઘર નં. 150માં રહેતા શ્રમજીવી શાબીર ખાનની 4 વર્ષીય માસુમ પુત્રી સોનમ અને પડોશમાં રહેતા સોનુ સિરાજુદ્દીન અંસારીની 5 વર્ષીય માસુમ પુત્રી રાની આજે સવારે 10 વાગ્યાના અરસામાં સાથે રમી રહી હતી. રમતા-રમતા બંન્ને માસુમ અચાનક ગાયબ થઇ જતા બંન્નેના પરિવારે રહેણાંક ચાલ અને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ બંન્ને માસુમનો કયાંય પત્તો મળ્યો હતો. જેને પગલે તુરંત અંગેની જાણ સચિન જીઆઇડીસી પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી સ્થાનિક વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ માસુમનો કયાંય પત્તો નહીં મળતા છેવટે સ્થાનિક મસ્જિદમાં બંન્ને માસુમના દેખાવ અને કયા કલરના કપડા પહેર્યા છે તે અંગે માઇક ઉપર એનાઉન્સ કરાવ્યું હતું.

(6:03 pm IST)