Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ખેડા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સ ન રાખી દુકાન શરૂ રાખનાર ત્રણ ફરસાણના વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડા:જિલ્લામાં લોકડાઉન બાદ કોરોના બેકાબૂ બન્યો છે. જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જો કે બીજી બાજુ લોકડાઉન બાદ લાગુ કરાયેલા અનલોક દરમિયાન જિલ્લાની પ્રજા કોરોના બાબતે બેદરકાર બની છે. ઠેર-ઠેર સરકારી ગાઈડ લાઈનનો ભંગ થતાં નજરે પડી રહ્યાં છે. ત્યારે નડિયાદમાં આવેલ ફરસાણની ત્રણ દુકાનોમાં ગ્રાહકોનું ટોળું ભેગુ કરી સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવા બદલ પોલીસે ત્રણેય દુકાનદારો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ અન્નપુર્ણા સ્વીટ એન્ડ ફરસાણ, ગીરીરાજ ફરસાણ અને ગરબડદાસ બાપુજી સ્વીટ્સ ફરસાણ નામની ત્રણેય દુકાનોમાં ગતરોજ મોડી સાંજના સમયે ગ્રાહકોનું ટોળુ જામ્યું હતું. કોરોના મહામારી દરમિયાન લાગુ કરાયેલા સોશ્યલ ડિસ્ટન્સીંગનો અમલ ત્રણેય દુકાનમાં ના થતો હોવાનું નડિયાદ ટાઉન પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસની ટીમે સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાવી જાહેરનામાનો ભંગ કરનાર ગીરીરાજ ફરસાણ નામની દુકાનના માલિક નીરવભાઈ હરિકૃષ્ણ સુખડીયા, અન્નપુર્ણા સ્વીટ એન્ડ ફરસાણ દુકાનના માલિક હર્ષભાઈ ઉર્ફે ભયલુ શ્યામભાઈ સુખડીયા અને ગરબડદાસ બાપુજી સ્વીટ્સ ફરસાણ દુકાનના માલિક કમલેશભાઈ મફતભાઈ સુખડીયા સામે આઈપીસી કલમ ૧૮૮ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:05 pm IST)