Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

10 લાખ પરિવારોએ પ્રકૃતિ વંદન કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ પ્રત્યે આદર વ્યક્ત કર્યો

આપણે પ્રકૃતિથી પોષણ મેળવવાનું છે, પ્રકૃતિને જીતવાની નથી : મોહનજી ભાગવત

લેખકઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) : સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની અસરોની આફતોમાં ફસાયેલું જોવા મળી રહ્યુ છે. ઋતુચક્રમાં થયેલું પરિવર્તન, ભૂકંપ, સુનામીએ પ્રકૃતિની માનવી દ્વારા કરવામાં આવેલ નુકશાનનું પરીણામ છે. ઔદ્યોગિકીકરણ પછીના યુગમાં આખુ વિશ્વ પ્રદૂષણનું રાક્ષસી સ્વરૂપ જોઇ રહ્યુ છે. પૃથ્વી પર સતત વધતા જતા તાપમાનના કારણે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનનાં ખરાબ પરીણામો ભોગવ્યા પછી આપણે પર્યાવરણની જાળવણી માટે ચિંતિત બન્યા છીએ. પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવીને જીવવુંએ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના રોજીંદા વહેવારમાં ગૂંથાઈ ગયેલી વિશેષતા છે. અનાદિકાળથી અનેકવિધ દૈનંદિન રીતિરીવાજો, સામાજિક પ્રથાઓ, પ્રાદેશિક માન્યતાઓ, ઉત્સવો, કળા-કારીગરી વગેરેમાં આ પ્રકૃતિપ્રેમ અનેક રીતે પ્રદર્શિત થાય છે. આ ઉપરાંત આપણાં અનેક પૌરાણિક વહેવારો દ્વારા પણ એ પ્રદર્શિત થતું રહ્યું છે.

             અહીંનો સમાજ પ્રકૃતિ સાથે એકરૂપતા સાધીને તેમજ જીવસૃષ્ટિના પ્રત્યેક ઘટક પ્રત્યે આદર પ્રદર્શિત કરીને, જરૂરિયાત પુરતું જ દોહન કરીને, નહિ કે શોષણ કરીને; કુદરતી સંપદાઓનું સંવર્ધન અને પર્યાવરણનું સંરક્ષણ કરતાં કરતાં પોતાનો જીવનનિર્વાહ કરતો હતો. હાલના વર્તમાન સમયમાં જ્યારે માનવ દ્વારા સ્થાપિત આર્થિક હિતો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે પડકારો ઉભા કરી રહ્યા છે ત્યારે, આ પ્રકૃતિ અને પ્રાકૃતિક સંસાધનોનું સવર્ધન અને સંરક્ષણ એ બહુ જ અઘરું કાર્ય થઇ પડે છે અને આપણા સૌની જવાબદારી વધારી જાય છે. આવો, આપણે સૌ આ પર્યાવરણ સંવર્ધન એટલે કે પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા કાર્યમાં જોડાઈએ અને ધરતીમાતાના આશીર્વાદ લઇ આ પૃથ્વી પર સંતુલન જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ અને પ્રવૃત્તિમય બનીએ. હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આ મહામારીના સમયમાં આવા ભગીરથ કાર્ય માટે “પ્રકૃતિમાતા અને પૃથ્વીમાતા” પ્રત્યે આપણો આદર અને સન્માન પ્રકટ કરવાના ભાગ રૂપે પ્રકૃતિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

           પર્યાવરણ, વન અને જીવસૃષ્ટિ સરક્ષણના હેતુથી હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં દેશભરમાંથી 10 લાખ પરિવારોએ પ્રકૃતિ વંદન કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. પ્રકૃતિ પ્રેમી દેશવાસીઓએ પોતાના ઘરેથી પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં જોડાઇને પ્રકૃતિનું પુજન, આરતી કરી  અને પ્રકૃતિના રક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવજી ભાગવતનું વર્ચ્યુઅલ ઉદબોધન સાંભળવામાં આવ્યું હતું.
          આર.એસ.એસના સરસંઘચાલક મોહનરાવજી ભાગવતે કહ્યુ કે, “પર્યાવરણ  શબ્દ આજકાલ ખુબજ સાંભળવા મળી રહ્યો છે અને બોલાઈ પણ રહ્યો છે અને આ કાર્યક્રમ  પર્યાવરણ માટે જ એક દિવસ આપવાનો કાર્યકર્મ છે ! તે પણ અર્વાચીન છે. આનું કારણ છે કે અત્યાર સુધી દુનિયામાં જીવન જીવવાની જે પદ્ધતિ હતી તે પર્યાવરણ માટે અનુકૂળ નથી. અત્યારની  રીત પ્રમાણે પ્રકૃતિને જીતીને મનુષ્યોને જીવવાનુ છે, આ પ્રકૃતિ મનુષ્યોના ઉપભોગ માટે છે. આ રીત પ્રમાણે પ્રકૃતિ પ્રત્યે મનુષ્યની કોઈ જવાબદારી  નથી પરંતુ મનુષ્યોનો પ્રકૃતિ પર પુરો અધિકાર છે, આવુ માનીને જીવનને ચલાવવાની આ પધ્ધતિ છે અને આવુ જીવન આપણે છેલ્લા બસ્સો અઢીસો વર્ષોથી જીવી રહ્યા છીએ. હવે આના દુષ્પરિણામ પરિણામ સામે આવી રહ્યા છે, આની ભયાનકતા હવે દેખાઈ રહી છે. આવું જ ચાલ્યું તો આ સૃષ્ટિમાં જીવન જીવવા માટે આપણે જીવિત નહીં રહીએ.

             અથવા એમ પણ બને કે આ સૃષ્ટિ જ નહીં રહે અને એટલે જ મનુષ્ય હવે વિચાર કરવા લાગ્યો ત્યારે એને એમ લાગ્યું કે પર્યાવરણનું રક્ષણ થવું જોઈયે. એટલે જ પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છીએ. આજકાલ થી નહીં પણ છેલ્લા 2000 વર્ષથી આપણે પર્યાવરણને અનુકૂળ જીવન જીવી રહ્યા છીએ, અને ગત 300 વર્ષથી આપણે ભટકી ગયા છીએ. પરંતુ ભારતની જીવન પદ્ધતિ એક્દમ અલગ છે. “અસ્તિત્વ” ના સત્ય ને આપણાં પુર્વજોએ અસ્તિત્વની પુર્ણતામાં સમજી લીધું હતું અને ત્યારથી એમને એ  સમજાયું કે આપણે પણ સમગ્ર પ્રકૃતિનું એક અંગ છીએ. શરીરમાં જેમ બધા અંગ કામ કરે છે ત્યારે શરીર ચાલે છે. અને એવી જ રીતે જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી  શરીરના અંગ ચાલી શકે છે. શરીરમાં પ્રાણ નહિં રહે તો હ્રદય બંધ થઈ જશે, થોડી વારમાં મગજ પણ કામ કરવાનું બંધ કરી દે છે, સૌથી છેલ્લે આંતરડાના સ્નાયુ બંધ થઇ જાય છે, બધા અવયવ કામ કરવાનું છોડી દે છે, મરી જાય છે. શરીર અંગોના કાર્ય પર નિર્ભર છે, અંગ શરીરથી મળવા વાળી પ્રાણ ઉર્જા પર નિર્ભર છે. આ પરસ્પર સંબંધ સૃષ્ટિનો અને આપણો છે, 

            આપણે એનું અંગ છીએ, સૃષ્ટિનું પોષણ એ આપણું કર્તવ્ય છે. આપણા જીવન માટે આપણે સૃષ્ટિ પાસેથી કંઇક લઇયે છીએ, શોષણ નથી કરતા, સૃષ્ટિનું દોહન કરીએ છીએ. આ જીવવાની રીત આપણા પૂર્વજોએ સમજી, અને કેવળ એક દિવસ માટે નહીં, એક શરીર માટે નહીં પણ પૂરા જીવન કાળ માટે અપનાવી  લીધું. આપણે ત્યાં સ્વાભાવિક રીતે કહેવામાં આવે છે કે સાંજના સમયે વૃક્ષો ને છંછેડો નહીં, વૃક્ષો સુઈ જાય છે. વૃક્ષોમાં પણ જીવ છે, આ સૃષ્ટિનો તે ભાગ છે. જેવી રીતે એનીમલ કિંગડમ છે, તેવી રીતે પ્લાન્ટ કિંગડમ છે. આ આધુનિક વિજ્ઞાનનું જ્ઞાન આપણી પાસે પાછલા હજારો વર્ષ પહેલાંથી છે. આપણા દેશનો સમાન્ય અભણ માણસ પણ જાણે છે કે સાંજના સમયે વૃક્ષોને છંછેડવા નહીં. આપણા જીવન જીવવાની રીતમાં શું કરવું, કેવી રીતે રહેવું, બધું દર્શાવેલ છે. આપણે ત્યાં રોજ કીડીઓને લોટ નાખવામાં આવતો હતો, આપણે ત્યાં ઘરો માં ગાયને ઘાસ, કૂતરાને રોટલી, પક્ષીઓને ચણ, જીવ-જંતુઓ માટે અન્ન અને ગામમાં કોઈ અતિથિ  ભુખ્યું હોય તો તેના માટે, આવા પાંચ પ્રકારે બલી ચડાવ્યા પછી ગૃહ્સ્થ ભોજન કરતા હતા.

             આ બલી એટલે પ્રાણી હીંસા ન હતી, આ બલી એટલે પોતાના ઘરમાં રાંધેલું અન્ન આ બધા લોકો માટે છે. આ બધાનું પોષણ કરવું મનુષ્યની જવાબદારી છે કેમ કે આ બધાથી મનુષ્યને પોષણ મળે છે. આ વાત સમજીને આપણે જીવતા હતા. આ માટે આપણે ત્યાં નદીઓની પણ પૂજા થાય છે, વૃક્ષો – છોડવાઓ – તુલસીની પૂજા થાય છે. આપણે ત્યાં પર્વતોની પૂજા – પ્રદક્ષિણા થાય છે, આપણે ત્યાં ગાયની પણ પૂજા થાય છે, સાપની પણ પૂજા થાય છે . આ દિવસને મનાવતી વખતે, આ આપણે કેવળ કોઇ મનોરંજનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ, આવો ભાવ નહીં રાખતા, સંપૂર્ણ સૃષ્ટિના પોષણ હેતુ, આપણા જીવનને સૌદર્યસભર બનાવવા માટે, બધાની પ્રગતિ માટે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ, આવો ભાવ આપણે મનમાં રાખવો જોઇએ. અને આ એક દિવસ નો સંદેશ આખા વર્ષ દરમિયાન  જીવનની નાની નાની બાબતોનો વિચાર કરતા, આપણે આપણા આચરણમાં ઉતારવું જોઈએ, એવું મને લાગે છે. આ ચિંતન  તમને વિચારવા માટે તમારી સમક્ષ રાખું છું, આજના દિવસ ની આપને શુભકામનાઓ પાઠવું છું. ”
        આગામી વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોથી પૃથ્વી પરની જીવસૃષ્ટીને બચાવવા માટે ભારત સહિત વિશ્વએ પ્રયત્નો કરવા પડશે અને પર્યાવરણ, વન અને જીવસૃષ્ટિ સરક્ષણનો દ્રઢ સંકલ્પ લઇને આપણે પોતે જ પ્રકૃતિના સાચા રક્ષક બનવું પડશે. અન્યથા સમગ્ર જીવ સૃષ્ટીએ તેના માઠા પરીણામો ભોગવવા પડશે.

(8:11 pm IST)