Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સહાય કરો સરકાર, વિરમગામ પંથકના જનપ્રતિનિધીઓ, રાજકીય પક્ષોએ પત્ર લખી કરી માંગણી

અતિવૃષ્ટિથી થયેલ ખેતીના નુકશાનનું સર્વે કરીને વળતર ચુકવવા માટે ધારાસભ્ય, પુર્વ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પત્ર લખી રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકામાં અતિવૃષ્ટિથી ખેતીને ભારે નુકશાન થતા ખેડુતો ચિંતાતુર બન્યા છે અને સંવેદનશીલ રાજ્ય સરકાર સહાય કરશે તેવી ખેડુતો આશા રાખી રહ્યા છે. અતિવૃષ્ટિથી થયેલ ખેતીના નુકશાનનું સર્વે કરીને વળતર ચુકવવા માટે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભગવતિબેન લક્ષ્મણસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો છે.
વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકામાં થયેલ અતિવૃષ્ઠી અને કડી કલોલમાં વધારે વરસાદ થવાથી તે પાણી પણ વિરમગામ તાલુકામાં આવેલુ હોઇ સમગ્ર તાલુકામાં કપાસ, એરંડા, જુવાર, ડાંગર સહિતના ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે અને ખેતરોનું ધોવાણ થયેલ છે. જેથી ખેડુતોને થયેલ નુકશાનનું સર્વે કરીને યોગ્ય વળતર ચુકવવા માટે રાજ્ય સરકારમાં પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે.

(8:15 pm IST)