Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલવાના બહાને છેતરપિંડી: બે યુવકો સાથે હૈદરાબાદના એજન્ટની 27 લાખની ઠગાઈ

મેડિકલ,ફિંગર પ્રિન્ટ વગેરે કરાવ્યા બાદ પૈસા લઈ વિશ્વાસઘાત : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદના બે યુવકને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલવાના બહાને રૂ. 27 લાખની ઠગાઈ આચરનાર હૈદરાબાદના એજન્ટ વિરૂધ્ધ ક્રાઈંબ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

ઘાટલોડિયામાં સત્તાધાર ચાર રસ્તા પાસે દેવાલય પ્લાઝામાં રહેતાં હર્ષ દશરથ પટેલ (27)એ સોમવારે ક્રાઈમબ્રાન્ચમાં હૈદરાબાદના એજન્ટ ઓ.અરૂણકુમાર વિરૂધ્ધ રૂ.27 લાખની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતાં હર્ષના મિત્ર દેવાંગ પટેલએ હૈદરાબાદના એજન્ટ ઓ.અરૂણકુમારએ તેના વિઝા કરાવ્યાની વાત હર્ષને કરી હતી. હર્ષને સ્ટુડન્ટ વિઝા કરાવવા હોય તો આ અરુણકુમારને મળવાની સલાહ આપી તેનો નંબર આપ્યો હતો. હર્ષ અને તેનો મિત્ર જયમીન આ અરૂણકુમારને ફોન કર્યા બાદ હૈદરાબાદ મળવા ગયા અને વિઝાની પ્રોસેસ વિશે માહિતી મેળવી હતી.ત્યાર બાદ અરૂણકુમારે જણાવ્યા  મુજબ બન્નેએ એજન્ટના સબંધીના ખાતામાં ટુકડે ટુકડે સ્ટુડન્ટ વિઝાની યુનિવર્સીટીની ફી,વાયર પેમેન્ટ અને બીજા ચાર્જ પેટે રકમ જમા કરાવી હતી. આરોપીએ બે મહિનામાં વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી. જોકે થોડા સમય બાદ હર્ષ અને જયમીનના ખાતામાં રૂ.50-50 હજારની રકમ કપાઈને બાકીની તમામ રકમ પરત આવી ગઈ હતી. આથી આરોપી અરૂણકુમાર સાથે વાત કરતા તેણે કોલેજમાંથી ફાઈલ વિડ્રો થતાં આવું થયાનું જણાવ્યું હતું. જે રૂ. 1 લાખ કપાયા તેની જવાબદારી અરૂણકુમારે લીધી હતી.

પાંચ મહિના બાદ અરૂણકુમારે તે પછી કેનેડાની ક્યુબેક સિટીની સિઝેક કોલેજમાં હર્ષ અને જયમીનના એડમિશન માટે એપ્લાય કરી રૂ.14 લાખ ફી જાતે ભરી બન્નેને કોલેજના ઓફર લેટર મોકલી આપ્યા હતા.

અરૂણકુમારે બન્નેને પૈસાની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. હર્ષ અને જયમીનએ ફેબ્રુઆરી,2019 થી જાન્યુઆરી,2020ના સમયગાળા દરમિયાન આરોપી અરૂણકુમારના કહેવાથી તેના સગા ઓરાંગતી કિરણ અને ઓરાંગતી લક્ષ્મી તેમજ નિલેશ પટેલના એકાઉન્ટમાં રૂ. 10 લાખ, ફીના બીજા રૂ.14 લાખ ભર્યા હતા.

અગાઉ આરોપીએ કરેલા ખર્ચના એક લાખ અને બંનેને હૈદરાબાદ બોલાવી આરોપીએ મેડિકલ ચેકઅપ,ફિંગર પ્રિન્ટ કરાવતા તેનો ખર્ચ રૂ.2 લાખ કરાવ્યો હતો. આમ કુલ રૂ.27 લાખની રકમ ચૂકવ્યા બાદ પણ હર્ષ પટેલ અને જયમીન પટેલના વિઝા થયા નહતા. આરોપી અરૂણકુમાર બન્ને યુવકોના વિઝા પણ કરાવતો ન હતો. લીધેલા પૈસા પણ વાયદા કર્યા બાદ ચૂકવતો ન હતો. આથી હર્ષ પટેલએ આરોપી વિરૂધ્ધ 8 જુલાઈના રોજ ક્રાઈમબ્રાન્ચમાં લેખિત અરજી કરી હતી. જેના પગલે ક્રાઈમબ્રાન્ચે અરજીની તપાસ કરી આરોપી ઓરાંગતી અરૂણકુમાર (રહે, હિમાયતનગર, વાસુ મેડિકલ ઉપર, હૈદરાબાદ)વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

 

(9:40 pm IST)