Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભાજપ સરકારના કાર્યો અને પક્ષની વિચારધારા પ્રજાના વિવિધ વર્ગ સુધી લઈ જવા મુખ્યમંત્રી રૂપાણીનું કાર્યકરોને આહવાન

ભાજપનો કાર્યકર વ્યક્તિ કે પરિવારને નહી રાષ્ટ્રવાદને વરેલો છેઃ રૂપાણી :ભાજપ પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ મીડિયા ટીમ અને ડિબેટ પેનલના સભ્યોની સંયુક્ત બેઠક યોજાઇ

 

અમદાવાદઃમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પક્ષના કાર્યકરોને આહવાન કર્યુ હતું કે તેઓ ભાજપ સરકારના કાર્યો અને તેની વિચારધારા પ્રજાના વિવિધ વર્ગ સુધી લઈ જાય. માટે તેઓ સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા,પ્રિન્ટ મીડિયાસહિતના વિવિધ પ્રસારમાધ્યમોના પ્લેટફોર્મનો ઉપયોગ કરે. આજની સાંપ્રત પરિસ્થિતિમાં મીડિયા જગતનું એક અનેરું મહત્વ છે, ભાજપનું પ્રતિનિધિત્વ કરીને પક્ષની નીતિ-રીતી, વિચારધારા, કાર્યપદ્ધતિ અને સરકારના કાર્યોની પ્રસ્તુતિ અસરકારકતા સાથે વિશાળ જનસમુહ સુધી પહોંચાડવાનું કાર્ય કરતા આગેવાનોની તેમણે પ્રશંસા કરી હતી.

ભાજપ પ્રદેશ કાર્યાલયકમલમગાંધીનગર ખાતે પ્રદેશ મીડિયા ટીમ અને ડિબેટ પેનલના સભ્યોની સંયુક્ત બેઠક યોજાઇ. બેઠકમાં પ્રદેશ સંગઠન ને સંબોધતા રૂપાણીએ સંબોધતાં જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમ થકી રાજ્યના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની જનહિતકારી યોજનાઓ, વિવિધ મુદ્દે ભાજપાનું સ્પષ્ટ વલણ જનતા સમક્ષ મુકવા અંગે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકર્તા આધારિત રાજનૈતિક પાર્ટી છે, ભાજપનો કાર્યકર્તા કોઈ વ્યક્તિ કે પરિવારને નહીં પણ રાષ્ટ્રવાદ, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને વરેલો છે, અને જમીની સ્તર ઉપર પક્ષને મજબૂત કરવા સદાય કાર્યશીલ રહે છે ત્યારે મીડિયાના માધ્યમ ઘ્વારા આપણે સૌ દ્વારા પક્ષની મજબૂત છબી ઉજાગર કરવાથી કાર્યકર્તાઓના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનું ખૂબ મહત્વ છે, નાગરિકો ઉપર ટેલિવિઝન ડિબેટમાં થતી ચર્ચાઓનો ચોક્કસપણે પ્રભાવ પડે છે અને તેની નાગરિકોના જનમાનસમાં પણ સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય છે ત્યારે સૌ ડિબેટ પેનલના સભ્યો જ્યારે ભાજપાનો ચહેરો બનીને ડિબેટમાં ભાગ લે છે ત્યારે તેમની જવાબદારી અનેકગણી વધી જાય છે. પાટીલે વધુમાં બેઠકમાં ઉપસ્થિત સૌને મીડિયાના માધ્યમ દ્વારા સંયમ, વિનમ્રતા, ગંભીરતાપૂર્વક, આત્મવિશ્વાસ સાથે સહજતાથી જનતા સમક્ષ કેન્દ્ર અને રાજ્યની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા અંગે વિવિધ મુદ્દે વિસ્તારપૂર્વક છણાવટ કરીને માર્ગદર્શન આપ્યું હતું.

(9:43 pm IST)