Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોનાકાળમાં ભાજપના કાર્યકર્તાઓએ કરેલા વિવિધ સેવાકાર્યોની સંકલિત માહિતીની ' ઈ -બુક'નું પ્રદેશ અધ્યક્ષ હસ્તે થશે લોકાર્પણ

રાશનકીટ, ભોજન સહાય, માસ્ક, સેનિટાઈઝર અને ઉકાળાનું મોટા પાયે વિતરણ સહિતના સેવા કાર્યોને બુકમાં સમાવેશ

 

અમદાવાદ: ભારતમાં કોરોના પર કાબૂ મેળવવા માટે માર્ચ મહિનામાં લોકડાઉન અમલમાં મુકાયું હતુ. આ દરમિયાન લોકોની મદદ કરવા માટે વડાપ્રધાન  મોદીએ અપીલ કરી હતી. જેના પગલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેશના જુદા-જુદા વિસ્તારોમાં મદદ પહોંચાડી હતી. ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ લોકોની વહારે આવ્યા હતા. હવે ભાજપના કાર્યકર્તાઓએ કોરોનાકાળ દરમિયાન કરેલા વિવિધ સેવકાર્યોની સંકલિત માહિતીની ‘ઇ-બુક’ બુધવારે કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ અગ્રણી અને ‘સેવા હી સંગઠન’ અંતર્ગત ‘ઇ-બુક’ના પ્રદેશ ઇન્ચાર્જ મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે બુધવારે ભાજપ કાર્યલય કમલમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કોરોના મહામારીકાળ દરમિયાન ગુજરાત ભાજપના કાર્યકર્તાઓએ કરેલ વિવિધ સેવકાર્યોની સંકલિત માહિતીની પ્રદેશ ભાજપાની ‘ઇ-બુક’નું લોકાર્પણ કરવામાં આવશે.

કસવાલાએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાના અંતમાં કોરોનાની મહામારીને કાબુમાં રાખવા તકેદારીના પગલાં રૂપે વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારથી જ ગુજરાત ભાજપના અસંખ્ય કાર્યકરોએ જરૂરિયાતમંદોની વ્હારે આવીને રાશનકીટ, ભોજન સહાય, માસ્ક, સેનિટાઈઝર અને ઉકાળાનું મોટા પાયે વિતરણ સહિતના સેવા કાર્યો કરીને માનવતાવાદી વલણ દાખવીને લોકસેવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કસવાલાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપાના કાર્યકર્તાઓએ ઐતિહાસિક સેવાયજ્ઞ કરી માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે જેને ડિજિટલ સ્મૃતિરૂપે ‘ઇ-બુક’ના સ્વરૂપે સંગ્રહ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનુરોધ કર્યો હતો. જેના અંતર્ગત પ્રદેશ ભાજપની આ ‘ઇ-બુક’માં સમગ્ર ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલ સેવાકીય પ્રવૃતિઓનું એકીકરણ કરીને સમાવવામાં આવી છે.

(11:59 pm IST)