Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

૧૫ વર્ષથી ફરાર આરોપી પોલીસના હાથે ઝડપાયો

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ધરપકડ : વર્ષ ૨૦૦૬માં કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલ બ્લાસ્ટ કેસમાં બિલાલ અહેમદ જેહાદી ષડયંત્રમાં ફરાર હતો

અમદાવાદ, તા.૩૦ : ગુજરાત એટીએસએ છેલ્લા ૧૫ વર્ષથી ફરાર આરોપીને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. આરોપી વર્ષ ૨૦૦૬ માં કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલ બ્લાસ્ટ કેસમાં જેહાદી ષડયંત્રમાં ફરાર હતો. આરોપી બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કશ્મીરીની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ કાશ્મીરમાં એક ઓપરેશન હાથ ધરી છેલ્લા ૧૫ વર્ષ થી ફરાર બિલાલ અહેમદની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આરોપી વર્ષ ૨૦૦૬માં ભરૂચમાં આવેલ મદરેસામાં અભ્યાસ કરતો હતો અને આતંકી સંગઠન લશકર-એ-તોયબા સાથે સંકડાયેલ હતો. આરોપી આતંકી સંગઠન માટે ફંડ પણ ભેગા કરતો હતો. તપાસ માં સામે આવ્યું છે કે આરોપીએ ભરૂચના મદરેસામાં અભ્યાસ કરતા ગરીબ અને સીધા જરૂરિયાત મંદ મુસ્લિમ યુવકોને ભ્રમ પેદા કરી તેને ભારત વિરુદ્ધ લડવા સામે તૈયાર કરતો હતો.

વિગતવાર વાત કરીએ તો આરોપીએ આવા અનેક યુવકોને ISIની મદદથી પાકિસ્તાન અથવા Pok માં હથિયારો અને બૉમ્બ બ્લાસ્ટની ટ્રેનિંગ માટે પણ મોકલવામાં મદદ કરેલ છે. આ પહેલા કુલ ૯ લોકોની ધરપકડ કરી દેવા માં આવી છે અને હાલ પણ અન્ય લોકો ફરાર છે. એટીએસની ટીમ જમ્મુ ગઈ તો ખબર પડી કે આ ગુનાનો એક આરોપી બશીર કશ્મીરી ૨૦૧૫-૧૬ માં એન્કાઉન્ટરમાં મોત થયેલ છે.

સવાલ એ છે કે બિલાલ ફરાર સમય અન્ય કોઈ ગુનામાં સંડોવેયલો છે કે કેમ? આ સમયમાં તે પાકિસ્તાનના સંપર્ક માં હતો કે કેમ? આવા અનેક સવાલ ના જવાબ મેળવવા એટીએસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

(9:09 pm IST)