Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજ્યમાં બે IAS અધિકારીઓ નિવૃત્ત: માહિતી નિયામકનો વધારાનો ચાર્જ ડી.પી. દેસાઇને અને સ્પીપાનો વધારાનો ચાર્જ કે. સી. સંપતને સોંપાયો

બે આઇએએસ અધિકારી માહિતી નિયામક અશોક કાલરિયા તથા સરદાર પટેલ ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેટીવ ( સ્પીપા )ના ડેપ્યુટી ડાયરેકટર જનરલ જી.એચ. ખાન આજે નિવૃત્ત થયા

અમદાવાદ : ગુજરાતમાં બે આઇએએસ અધિકારી માહિતી નિયામક અશોક કાલરિયા તથા સરદાર પટેલ ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેટીવ ( સ્પીપા )ના ડેપ્યુટી ડાયરેકટર જનરલ જી.એચ. ખાન નિવૃત્ત થયા છે. તેમની ખાલી પડેલી જગ્યા પૈકી માહિતી નિયામકનો વધારાનો હવાલો કો. ઓપરેટીવ સોસાયટી, ગાંધીનગરના રજિસ્ટ્રાર ડી.પી. દેસાઇને તથા સ્પીપાના ડેપ્યુટી ડાયરેકટર જનરલનો વધારાનો ચાર્જ ગુજરાત લવલીહૂડ પ્રમોશન કંપની લીમીટેડ, ગાંધીનગરના મેનેજીંગ ડાયરેકટર કે.સી. સંપતને સોંપવામાં આવ્યો છે.

માહિતી નિયામક અશોક કાલરિયા આજે વયનિવૃત્ત થતા તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી અને નિવૃત્તિમય જીવન નિરોગીમય અને પરિવાર સાથે સુખમય રીતે નિવડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેની સાથે તેમને શાલ ઓઢાડી અને મેમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા.

માહિતી નિયામક અશોક કાલરિયાએ સૌ અધિકારી-કર્મચારીઓની સેવાઓ બિરદાવીને સૌએ આપેલા સહયોગ માટે અભિનંદન પાઠવતાં કહ્યું કે, માહિતી પરિવારે એક ટીમ બનીને જે કામ કર્યુ છે એના પરિણામે જ આપણે સૌ સારી રીતે કામગીરી કરી છે. મારા સૌ અધિકારીઓનો અપાર પ્રેમ અને કાર્યનિષ્ઠા મને સદાય યાદ રહેશે. તેમણે ઉમેર્યુ કે અન્ય વિભાગોની કામગીરી કરતા માહિતી ખાતાની કામગીરી અલગ પ્રકારની અને સમય મર્યાદામા પૂર્ણ કરવા સાથે ચિવટ પૂર્વકની હોઈ સૌએ ખંત અને નિષ્ઠાપૂર્વક જવાબદારીથી બજાવી છે એ સરાહનીય છે આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવુ છું

અધિક માહિતી નિયામક અરવિદ પટેલે નિવૃત્ત થતા અશોક કાલરિયાને શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, આપનુ માર્ગદર્શન અને સહયોગના પરિણામે સમગ્ર માહિતી પરિવારે એક ટીમ થઈને સુદર કામગીરી કરી છે. આપનુ નિવૃત્તિમય જીવન સુખમય અને નિરોગીમય બની રહે એવી શુભકામનાઓ આપી હતી.

અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદીએ વિદાય થતા અશોક કાલરિયાને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, કોઇપણ પરિસ્થિતિમાં મળતું તેમનું હાસ્ય, ઓછાબોલાપણુ અને સૌને સાથે લઈને કામ કરવાની ટીમ ભાવના તથા તેમનુ માર્ગદર્શન સૌને માટે પ્રેરણારૂપ બન્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે, સરકારી સેવામાંથી નિવૃત્તિ જગા પરથી થાય છે પરંતુ ઇશ્વર તેને બીજી જગ્યાએ પ્રવૃત કરે છે. નવી જગ્યાનો આરંભ છે તેમની આવતીકાલની સવાર અને જીંદગી મનમોહક બની રહે તેવી શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે સંયુકત માહિતી નિયામકો જી.એફ.પાડોર, સંજય કચોટ, પંકજભાઈ મોદી, ઉર્વી રાવલ સહિત માહિતી કચેરી ગાંધીનગરના અધિકારીઓએ તેમની સાથેના સંસ્મરણો તાજા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક હિરેન ભટ્ટે કર્યુ હતું

(9:16 pm IST)