Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

લાજપોરમાં હવે જેલના કેદીઓના હાથે બનાવાયેલા ભજીયાા મળશે : 80 લાખના ખર્ચે શરૂ ભજીયા હાઉસ

અહીં ભજિયા ઉપરાંત અલગ અલગ 17 પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણ અર્થે મુકાયા

સુરતના લોકોને ટેસ્ટ પણ મળી રહે અને સાથે સાથે કેદીઓને રોજગારી પણ મળી રહે તે હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસની શરૂઆત કરવામાં આવી છે. આ ભજીયા હાઉસ 80 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે. અહીં ભજિયા ઉપરાંત અલગ અલગ 17 પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણ અર્થે મુકવામાં આવી છે.

સુરતીઓને ટેસ્ટી ખાવાનું પસંદ છે. તેઓ સ્વાદના શોખીન છે. સુરતીઓને આકર્ષવા માટે આમ તો છેલ્લા 10 વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજીયા હાઉસ ચલાવવામાં આવી રહ્યું હતું . પહેલાં ઉધના દરવાજા રિંગ રોડ ઉપર આવેલી જૂની સબજેલમાં આ ભજીયા હાઉસ ચાલતું હતું, જે છેલ્લા કેટલાંક વર્ષથી લાજપોર શિફ્ટ થઈ ગઈ છે.

સુરતથી નવસારી, વલસાડ કે મુંબઈ જતા લોકોને આકર્ષી શકાય આ ઉપરાંત તેની સાથે તેમને આરામદાયક બેસવાની જગ્યા પણ મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે આઉટ હાઉસના કલ્ચરને ધ્યાનમાં રાખી ને આ 80 લાખના ખર્ચે નવું ભજીયા હાઉસ બનાવવામાં આવ્યું છે.

આ ભજીયા હાઉસની ખાસિયત એ છે કે અહીં જેલના કેદીઓ દ્વારા જ તમામ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ભજીયા હાઉસનું સંચાલન પણ તેમના જ હસ્તે થશે .અહીં ભજિયા ઉપરાંત જુદા જુદા પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણમાં મુકવામાં આવી છે. જે સંપૂર્ણ હાઈજિનિક છે. અહીં આવતા લોકોને તો નવો ટેસ્ટ મળશે જ, પરંતુ કેદીઓને હાથે અહીં વાનગીઓ વેચાણમાં મુકવાના આ કન્સેપ્ટને કારણે કેદીઓને પણ પગભર થવાનો મોકો મળશે.

સુરતમાં એમ પણ લારી કલચર અને નાસ્તાની લારીઓ અને ઢાબાનું ચલણ ખુબ વધારે છે. સુરતમાં રિંગરોડ પર આવેલી જૂની સબજેલ પર કેદીઓના હાથે બનતા ભજીયા સુરતીઓએ ભરપેટ ખાધા છે પણ હવે લાજપોરમાં પણ કેદીઓને પગભર થવાનો મોકો આ ભજીયા હાઉસ થકી મળ્યો છે. અહીં જૂનું જે હાઉસ હતું, ત્યાં બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હતી પણ હવે આ નવા ભજીયા હાઉસમાં બેસવાની યોગ્ય વ્યવસ્થાની સાથે અહીંથી અવરજવર કરતા લોકોને ભજીયા ખાવાની મજા માણવાનો મોકો પણ મળશે.

(9:10 am IST)