Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વડોદરા :સિઝર ઓપરેશનમાં દોઢ મીટર કપડાનો ટુકડો મહિલાના પેટમાં રહી ગયો હોવાનો આક્ષેપ

જમનાબાઇ હોસ્પિટલના ડો. ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ જમનાબાઇ હોસ્પિટલની ચોંકીને સોંપાઇ

વડોદરા:  શહેરના માંડવી વિસ્તારમા આવેલી જમનાબાઇ હોસ્પિટલમાં સિઝર ઓપરેશનમાં દોઢ મીટર કપડાનો ટુકડો મહિલાના પેટમાં જ રહી ગયો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. ઓપરેશન કરનાર ડો. ચૌહાણે જણાવ્યું હતું કે, ઓપરેશન પછી અમે મહિલાને ડિસ્ચાર્જ આપ્યો હતો. કપડાનો ટુકડો રહી ગયો છે કે નહીં તેની અમને ખબર નથી.

પીડિત મહિલા રેહાના મેમણે જણાવ્યું હતું કે, મારા સિઝર ઓપરેશનમાં નિષ્કાળજી રાખવામાં આવી હતી અને એકથી દોઢ મીટર જેટલો કપડાનો ટૂુકડો અંદર રહી ગયો હતો. ત્યાર બાદ પેટમાં દુઃખાવો થતાં મે ડોક્ટરને બતાવ્યું હતું. તો ડોક્ટરે ગેસ હોવાનું કહ્યું હતું. જોકે, અમે બીજા ડોક્ટરને બતાવતા સિટી સ્કેન કરાવ્યું હતું. જેમાં પેટમાં કપડાનો ટુકડો હોવાની ખબર પડી હતી. બેદરકારી રાખનારા આ ડોક્ટરને સસ્પેન્ડ કરવાની અમારી માગ છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી બહાર મેમણ કોલોનીમાં રહેતા સમીરભાઇ મેમણના પત્ની રેહાનાને પ્રસૂતિ માટે 20 સપ્ટેમ્બરના રોજ જમનાબાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ગાયનેક તબીબ ડો. ચૌહાણે પ્રસૂતાના તમામ મેડિકલ રિપોર્ટ બાદ સિઝેરિયન દ્વારા નવજાત શિશુને જન્મ અપાવ્યો હતો. માતા અને બાળકની તબિયત તંદુરસ્ત રહી હતી. સિઝેરિયન ઓપરેશન દરમિયાન ડો. ચૌહાણ અને ઓપરેશન સ્ટાફની બેદરકારીના કારણે મહિલાના પેટમાં અંદાજે એકથી દોઢ મીટર જેટલો મોટો કપડાનો ટુકડો રહી ગયો હતો અને તબીબે ટાંકા લઇ લીધા હતા.

આ દરમિયાન શુક્રવારે મહિલાએ પેટમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદ કરી હતી. પરંતુ ડો. ચૌહાણે ગેસનો પ્રોબ્લમ હોવાનું કહીને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી મહિલાને પેટનો દુઃખાવો ઓછો ન થતાં ડો. ડભોઇવાલાની ખાનગી હોસ્પિટલમાં બતાવતાં સિટી સ્કેન કરાવ્યું હતું . સિટી સ્કેનના રિપોર્ટમાં મહિલાના પેટમાં બિનજરૂરી કપડાનો ટુકડો દેખાયો હતો. જેથી ડો. તોફીક ડભોઇવાલાએ મહિલા દર્દીનું તાત્કાલિક ઓપરેશન કર્યુ હતું જેમાં પેટમાંથી કપડાનો ટુકડો બહાર કાઢ્યો હતો.

જમનાબાઈ હોસ્પિટલના ડો. ચૌહાણની ગંભીર બેદરકારી સામે આવતાં આ અંગે પરિણીતાના પતિ સમીર મેમણે જમનાબાઇના તબીબ ડો. ચૌહાણને ફરિયાદ અને જાણ કરવા ગયા હતા, જ્યાં ચૌહાણે ઉદ્ધતાઇભર્યો જવાબ આપતાં આ મામલો વણસ્યો હતો અને વાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જમનાબાઇ હોસ્પિટલના ડો. ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ માટે જમનાબાઇ હોસ્પિટલની ચોંકીને સોંપાઇ હોવાનું જાણવા મળ્યું છે.

(10:22 pm IST)