Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

GST ટાર્ગેટ પૂરો કરવા અધિકારીઓએ આડેધડ નોટીસો ફટકારી : વેપારી પરેશાન

GST પોર્ટલની મુશ્કેલીઓ યથાવત, ક્ષતિરહિત બનાવવા માંગ : મોબાઇલ સ્કવોડને ટાર્ગેટ સોંપાતાં રોડ પર વાહનો કબ્જે લેવાતાં વેપારીઓ નારાજ

અમદાવાદ,તા. ૧: જીએસટી અધિકારી દ્વારા વેપારીઓ કરાતી પરેશાની યથાવત રહી છે. અધિકારીઓ દ્વારા કોઇપણ પ્રકારની ચકાસણી કર્યા વગર જ વેપારીઓને આડેધડ નોટિસો ફટકારવામાં આવી રહી છે. બિલ વગરના અને ઇ વે બિલ વગરના માલની હેરાફેરી અટકાવવા ખાસ કાર્યરત કરવામાં આવેલી મોબાઇલ સ્કવોડને પણ ટાર્ગેટ આપવામાં આવ્યાછે. તેથીમોબાઇલ સ્કવોડ દ્વારા રોડ પરથી માલ લઇ જતા-આવતા વાહનોને કબજે લેવામાં આવી રહ્યા છે.માલસામાન સાથે વાહનો પણ ડિપાર્ટમેન્ટના પાર્કિંગમાં દિવસો સુધી મૂકી રાખવામાં આવે છે. જીએસટી અમલી થયો  ત્યારથી રિટર્ન ભરવાના છેલ્લા દિવસોમાં જીએસટી પોર્ટલ ઠપ થવાની સમસ્યા યથાવત રહેતા વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટ દ્વાર પોર્ટલ ક્ષતિ રહિત બનાવવા માગ કરવામાં આવી રહીછે.

જીએસટી રિફંડ, વેપારીઓના પ્રશ્નોના સમાધાનનું નહીંવત્ પ્રમાણ, કર્મચારીઓના અછતના નામે વેપારીઓને ધક્કા ખવડાવવાની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે જીએસટી અધિકારીઓ દ્વારા વેપારીઓને જીએસટી  ચુકવવા માટે કોઇ ખરાઇ કર્યા વગર આડેધડ નોટિસો ફટકારવામાં આવી રહી છે. જે પૈકી ઘણા વેપારીઓએ જીએસટી રકમ ભરી હોવા છતાં તેમને નોટિસો ફટકારાઈછે. લાંબાસમયથી મોબાઇલ સ્કવોડના કર્મચારીઓ રાત દિવસ રોડ પરથી પસાર થતા વાહનોને અટકાવી રહ્યા છે. આ વાહનોને માલ સામાન સાથે દિવસો સુધી ડિપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકી રાખવામાં આવતા હોવાથી વેપારીઓને ટ્રાગ્સપોર્ટરો પરેશાન થઈ ગયા છે. આ બાબતે પરેશાન વેપારીઓ કોર્ટના શરણે જઇ રહ્યા છે. જીએસટી અમલને ચાર વર્ષ થઇ રહ્યા છેતે છતાં હજુ રિટર્ન ફાઇલ કરવાના છેલ્લા દિવસોમાં જીએસટી પોર્ટલ ઠપ થઈ જવાની સમસ્યા યથાવત છે. પોર્ટલ ઠપ હોવાથી વેપારીઓ સમયસર તેમના રિટર્ન ફાઇલ કરી શકતા. તેને પગલે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની પાસેથી લેટ ફી અને પેનલ્ટી વસૂલ કરવમાં આવી રહી છે. 

(9:59 am IST)