Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

આણંદ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતના શ્વાસ લીધા

આણંદ : ગુજરાત પરથી શાહીન વાવાઝોડાનો ખતરો કેટલાક અંશે ટળ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની વકી વચ્ચે આજે સવારથી જ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. સૂર્યદેવતાએ દર્શન દેતા લોકોએ રાહત અનુભવી હતી અને નમતી બપોર સુધીમાં જિલ્લાના મોટાભાગના સ્થળોએ મેઘ વિરામ રહ્યો હતો. જો કે સીમસાંજ બાદ મધ્યરાત્રિ સુધી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૧૦૦ ટકાથી વધુ થયો છે.

ગુલાબ વાવાઝોડાને પગલે બુધવારે આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. મંગળવાર રાત્રિથી જ સમગ્ર આણંદ જિલ્લામાં વરસાદનું જોર વધ્યું હતું. બુધવાર સવારથી જિલ્લામાં ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગઈકાલ સમીસાંજે જિલ્લામાં વરસાદનું જોર વધ્યું હતું અને ઠેર-ઠેર મુશળધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને જિલ્લાના ખંભાત, તારાપુર, પેટલાદ તથા આણંદ પંથકમાં સમીસાંજે મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને બપોરના ૪:૦૦ થી રાત્રિના ૮:૦૦ કલાક દરમ્યાન જિલ્લાના પેટલાદ તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે તારાપુરમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મધ્યરાત્રિના સુમારે પણ જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું.

(5:44 pm IST)