Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરો વચ્ચે સંકલનના અભાવે દર્દીઓને હેરાન થવાની નોબત આવી: ઝેરી દવા ગટગટાવેલ પરિણીતાને સારવાર માટે 6 કલાક બેસી રહેવું પડ્યું

સુરત:  નવી સિવિલ હોસ્પિટલમાં કેટલાક ડોક્ટરો વચ્ચે સંકલનના અભાવે અવાર નવાર દર્દીઓને દુખી થવુ પડે છે. ગૃહકંકાસમાં ઝેરી દવા પી ગયેલી પરિણીતાને  સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે બેસો કહીને ડોક્ટરોએ બુધવારે રાત્રે છ કલાક સુધી અધુરી સારવાર આપીને બેસાડી રાખ્યા હતા. જોકે પૂરતી સારવાર નહીં મળતા પરિવારજનો ઘરે લઇ ગયા બાદ તબિયત બગડતા મહિલાને આજે ફરી સિવિલમાં લાવતા દાખલ કરવામાં આવી હતી.

 નવી સિવિલથી મળેલી વિગત મુજબ કામરેજમાં રહેતી 20 વર્ષીય સોનલ રાઠોડ ચાર દિવસ પહેલા ઘરે ઝેરી દવા પી જતા સારવાર માટે સાયણની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.  ત્યાંથી ગઈ કાલે રાત્રે 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં ખસેડાઇ હતી. ત્યાં મેડિકલ ઓફિસરે મેડિસિન સહિતના વિભાગના ડોક્ટરને રિફર કર્યા હતા. બાદમાં ત્યાંના ડોક્ટરે બેસો બેસો કહી છ કલાક સુધી અધૂરી સારવાર આપીને બેસાડી રાખ્યા હતા અને ત્યાંના ડોક્ટર કે સ્ટાફ યોગ્ય જવાબ આપતા ન હતા.  આવા આક્ષેપો દર્દીના પરિવારના સભ્યોએ કર્યા હતા. જેથી  આખરે કટાંળીને ત્યાંથી લઇ ગયા હતા. જોકે આજે  સવારે તે બોલી શકતી ન હોવાથી ફરી 108માં સારવાર માટે સુરત નવી સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં ખસેડાઇ હતી. બાદમાં તેને દાખલ કરવામાં આવી હતી.

નોધનીય છે કે ગત રાતે સિવિલમાં મેડીસીનસર્જરી અને મેડીકલ ઓફિસર વચ્ચે સંકલનો અભાવના કારણે આ દર્દીને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.  સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે હકીકત જાણવા માટે બંને વિભાગના ડોકટરોને નોટીસ આપીને ખુલાસો મગાશે. જયારે મેડીકલ ઓફિસરને દર્દીને સમય પર કેમ દાખલ કરવામાં નહી આવ્યા. તે અંગે ખુલાસો પુછવામાં આવશે.

(5:47 pm IST)