Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ઉદ્યોગસાહસિકો માટે ગુજરાતના ૩૩ જિલ્લામાં MSME લોન મેળો યોજાશે : લોન મેળામાં રાજ્યની ૧૫ જેટલી બેંકો ભાગ લેશે

અમદાવાદ : ગુજરાત સરકાર MSME કમિશનરની કચેરીદ્વારા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) ના સહકારથી ગુજરાતના ઉદ્યોગસાહસિકોના લાભ માટે આગામી તા. ૬ ઓકટોબર ૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી MSME લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું આયોજન ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન મેળાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે.

માઇક્રો સ્મોલ અને મીડિયમ ઔદ્યોગિક એકમો લોન મેળા આયોજનમાં ભાગ લેવા માટે પાત્ર છે અને લોન મેળાના દિવસે જ સ્થળ પર અરજી કરી શકે છે. લગભગ ૧૫ જેટલી બેંકો દ્વારા પ્રત્યેક જિલ્લામાં લોન માટેના સ્ટોલ લગાવવામાં આવશે.

બેંકો ઇવેન્ટમાં સ્પોટ લોન, સૈદ્ધાંતિક મંજૂરી લોન, વિલંબિત મંજૂરી લોન અને બેંક વિશિષ્ટ પ્રોડક્ટ લોન આપશે. ગુજરાત સરકાર તમામ ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપે છે કે જેમને તેમના ઔધોગિક એકમ  માટે મૂડીની જરૂર હોય તેઓ આ લોન મેળામાં ભાગ લઇ શકે છે.

લોન મેળાના સ્થળની વિગત માટે લાગુ પડતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો. તેમજ આ માહિતી MSME કમિશનરની કચેરીની વેબસાઇટ https://msmec.gujarat.gov.in/પર ઉપલબ્ધ રહેશે તેમ MSME કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે

(7:32 pm IST)